ભાદરવા સુદ-૪ ના દિવસે ગણપતિ દાદાનો જન્મદિવસ આવતો હોવાથી તેને ગણેશ ચતુર્થી તરીકે પણ સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવતો હોય છે ત્યારે પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીને લઈ શહેરના હિંગળાચાચર ચોક ખાતે ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લેવા માટે ભાવિકભકતોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ચાલુસાલે ગણેશજીની મૂર્તિનું વેચાણ કરતાં દેવીપૂજક સમાજના વેપારીઓમાં પણ જાગૃતતા આવતાં તેઓ દ્વારા પણ તેઓની લારીઓમાં પીઓપીની મૂર્તિની જગ્યાએ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ વેચાણઅર્થ મૂકવામાં આવી હતી.
ત્યારે ભુરાભાઈ પટણીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોમીંગની અસરને નાથવા અને પર્યાંવરણની જાળવણી થાય તેવા શુભ આશયથી ચાલુસાલે દેવીપૂજક સમાજના વેપારીઓ દ્વારા મોટાભાગે ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું જણાવી પર્યાંવરણની સુરક્ષાા માટે ભાવિકભકતોને ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવા પણ આહવાન કયું હતું.
પાટણ શહેરમાં વસતા મારવાડી સમાજના લોકોમાં આમતો હોળી અને ધૂળેટીનું મહાત્મ્ય વધારે હોય છે પરંતુ આ મારવાડી સમાજમાં પુત્રવધુ મહારાષ્ટ્રીયન લાવતાં આ પરિવારો છેલ્લા ૩ર વર્ષથી ગણપતિ દાદાની સ્થાપના પોતાના નિવાસસ્થાને કરતા આવ્યા છે ત્યારે પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં રહેતાં મારવાડી સમાજના પરિવારો દ્વારા ગણેશ ચતુર્થીને લઈ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવા આવતાં ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગણેશમય બનાવી દીધુ હતું. ત્યારે આ મૂર્તિઓને પોતાના વિસ્તારમાં લઈ જતાં કુમકુમ તિલક અને ચોખાથી ભકિત-આસ્થા સાથે ગણપતિ દાદાને વધાવી શાસ્ત્રોકત વિધિ વિધાનથી ગણપતિ દાદાની સ્થાપના કરી હતી.
ત્યારબાદ ગણપતિ દાદાની આરતી ઉતારી ગણપતિ દાદાની આરતીના દર્શનનો અનેરો લ્હાવો લઈ ભાવિકભકતોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શુભમ જોષીએ છેલ્લા ૩ર વર્ષથી ગણપતિ દાદાની સ્થાપના કરાતી હોવાનું જણાવી ગણપતિ દાદા આજના શુભ પ્રસંગે ભારતભરના લોકોની મનોકામના પૂર્ણ કરી દેશભરમાંથી કોરોનાની મહામારીને નેસ્તનાબુદ કરે તેવી આશા પણ વ્યકત કરી હતી.
તો પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીને લઈ એક ગણેશના ભકત દ્વારા ગણેશજીની વેશભૂષા ધારણ કરી સમગ્ર શહેરમાં એકિટવા પર શહેરીજનોને દર્શન આપવા નિકળતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો શહેરના હિંગળાચાચર ચોકમાં વેશભૂષા ધારણ કરીને ગણપતિ દાદા આવી પહોંચતા ગણપતિ દાદાની મૂર્તિ ખરીદવા આવેલા ભાવિકભકતોને આશીર્વાદ આપતાં તેઓ ધન્ય બન્યા હતા. આમ, સમગ્ર શહેરમાં ગણપતિ દાદાની વેશભૂષા ધારણ કરીને આ ઈસમે સૌ નગરજનોને આશીર્વાદ આપી અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી.