પાટણ શહેરમાં ૧૪૪ વર્ષથી યોજાતા એશિયાના સૌથી જુના ગણેશ ઉત્સવનો આજે ગણેશચતુર્થીના દિવસે પારંપારીક ઢબે પ્રારંભ થયો છે. પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ભદ્ર વિસ્તારમાં આવેલ ગણેશ વાડીમાં સંપૂર્ણ પારંપારીક અને વૈદિક પધ્ધતિથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી.
ત્યારે આજે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગણપતિ દાદાની મૂર્તિને પાલખીમાં બિરાજીત કરી નિજ મંદિરે લાવવામાં આવી હતી. જયાં શુભ મુહર્તમાં મંદિર ખાતે વિધિવિધાન સાથે વિધ્નહર્તાની મૂર્તિની સ્થાપના કરાઈ હતી. અને ત્યાર બાદ મહારાષ્ટ્રીયન પરિવારોએ ગજાનનની પૂજા-આરતી કરી આ ઉત્સવને ખુલ્લો મુકયો હતો.
ઉલ્લેખનીય છે કે, પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઉજવાતા ગણેશ ઉત્સવની વિશેષતા એ છે કે, દર વર્ષે માટીમાંથી જે મૂર્તિ બનાવવામાં આવે છે તેમાં જુની મૂર્તિના વિસર્જન વખતે માટીના અંશ લેવામાં આવે છે.
અને ત્યાર બાદ નવિન બનાવાતી મૂર્તિને માટીમાં ભેળવી કલાત્મક મૂર્તિ તૈયાર કરાય છે. જેમાં માત્ર વોટર કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને વર્ષોથી ઈકોફ્રેન્ડલી મૂર્તિનુંજ નિર્માણ કરાતાં હોવાનું પણ જણાવ્યું હતું.