હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં યુનિવર્સીટી ખાતે યોજાયેલા વિવિધ વિભાગોના ઓપન ઇન્ટરવ્યુંના કવર ખોલવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો અને વિજયનગર કોડિયાવાડાની બી.એડ કોલેજની પ્રવેશ પ્રક્રિયા અટકાવવાનો આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો .
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે ગુરૂવારના રોજ કુલપતિ ડો . જે.જે. વોરાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી .
જેમાં ગતરોજ વિજયનગર તાલુકામાં આવેલી યુનિવર્સીટી સંલગ્ન કોડિયાવાડા બી.એડ કોલેજ દુકાનોમાં ચાલતી હોવાનો કારોબારી સભ્ય હરેશભાઇ ચૌધરીની તપાસ દરમિયાન ઘટસ્ફોટ થતા આ કારોબારી સમિતિની બેઠકમાં આ બી.એડ કોલેજની પ્રવેશ પ્રક્રિયા અટકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.