પાટણ જિલ્લાના તલાટી કમ મંત્રીઓએ તેમના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય તલાટી-કમ-મંત્રી મહામંડળના આદેશ મુજબ તબક્કાવાર આંદોલનનો કાર્યક્રમ નક્કી કર્યો છે અને તે અંતર્ગત આજે પાટણ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તેમની પડતર માંગણીઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ સતીશ બી. જાદવ અને મહામંત્રી કૌશિક આર.ઠકકર સહિત મંડળના હોદ્દેદારો અને તમામ તાલુકા મંડળોના હોદ્દેદારો દ્વારા આજે સંયુક્ત રીતે કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,
જેમાં જણાવાયું હતું કે રાજ્ય તલાટી-કમ-મંત્રી મહામંડળની ગત મહિને મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સુખદ ઉકેલ નહિ આવતાં મહામંડળ દ્વારા તબક્કાવાર આંદોલનના કાર્યક્રમ આપવામાં આવેલ છે અને તે અંતર્ગત તારીખ ૧૩ સપ્ટેમ્બરના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક ઉકેલ લાવવામાં આવે તે માટે જિૡાના અધિકારીઓને ભલામણ કરવા માટે લાગણી માંગણી વ્યક્ત કરાઇ હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ છે જેમાં પાટણ જિલ્લાના તમામ તલાટી કમ મંત્રી જોડાશે.આવેદનપત્ર આપીને તલાટીઓ તેમના આંદોલનાત્મક કાર્યક્રમ મુજબ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી ડિલિટ થયા હતા.
સૌથી પેહલા સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી તલાટીઓ લેફ્ટ થયા હતા. આ ઉપરાંત આગામી તારીખ ૧૩ , ર૦ , ર૭ સપ્ટેમ્બર અને તારીખ ૦૧ , ૦૭ ,૧ર ઓક્ટોબર સુધીના અલગ અલગ કાર્યક્રમ જાહેર કરાયા હતા.જેમાં પેન ડાઉન, કાળી , માસ સીએલ, જિલ્લા પંચાયત ખાતે બેનરો સાથે ધરણા, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અચોકસ મુદતની હડતાલ સુધીના તબક્કાવાર કાર્યક્રમો નક્કી થયા હોવાનું જાણવા મળ્યું હતું.