પાટણ શહેરમાં છાશવારે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં જ બહુચર પમ્પીંગ સ્ટેશન પર વીજલોડ વધારો માંગી પાટણ શહેરમાં હવેપછી નહિવત ભૂગર્ભના પ્રશ્નોની ફરિયાદો ઉઠવાનું ભૂગર્ભ સમિતિના ચેરમેને જણાવ્યું હતું તેમછતાં છાશવારે શહેરના જાહેરમાર્ગો પર બહુચર પમ્પીંગ સ્ટેશન ખાતે વીજ લોડ વધારો લીધા બાદ પણ ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગ પર રેલાના હોવાના બનાવો જોવા મળી રહયા છે.
ત્યારે પાટણ શહેરના કિલાચંદ શોપીંગ સેન્ટરના પાછળના ભાગેથી ભૂગર્ભના ગંદા પાણી છેલ્લા છ દિવસથી જાહેરમાર્ગો પર રેલાતા સ્થાનિક વેપારીઓ સહિત શહેરીજનો પાલિકાની અણઆવડતને લઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ત્યારે આ ભૂગર્ભના ગંદા પાણી કિલાચંદ શોપીંગ સેન્ટરના પાછળના ભાગેથી રેલાતા શેત્રુંજય ફલેટ સુધી પહોંચી જતાં અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે આજ માર્ગ પરથી પાલિકાના અનેક કર્મચારીઓ અને નગરસેવકો પણ પસાર થતા હોવા છતાં આંખ આડા કાન કરતાં શહેરીજનોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે.
ત્યારે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે કિલાચંદ શોપીંગ સેન્ટરમાં આવેલા ભોજનાલયના સંચાલકો પોતાનો એંઠવાડ ભૂગર્ભની ટાંકીઓમાં નાંખી દેતા હોવાથી આ પ્રશ્ન ઉદભવતો હોવાનું જણાવી પાલિકા તંત્ર દ્વારા આવા તમામ ભોજનાલયો સહિત દવાખાનાઓ અને દુકાનોની સઘન ચકીંગ હાથ ધરી ભૂગર્ભમાં પાણી નાંખવાની જગ્યાએ જાળીઓ નાંખેલી ના હોય તેવા તમામ વેપારીઓની સામે લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી ઉકેલ લાવવા પણ માંગ કરી હતી.