હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા કોરોના મહામારીમાં ઓનલાઇન પદ્ઘતિથી પરીક્ષા લેવામાં આવી હતી . જેમાં ટેકનીકલ ખામીઓ તેમજ અન્ય કોઇ કારણોસર વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેમની ફરીથી ઓફલાઈન રીતે એમ.સી.ક્યુ પદ્ઘતિથી ઓ.એમ.આર શીટ થી આગામી ર૦ સપ્ટેમ્બરથી ૭ ઓકટોબર દરમિયાન ત્રણ તબક્કામાં પ૦ થી વધુ પરીક્ષાઓ લેવામાં આવનાર છે.
આ પરીક્ષાઓની પારદર્શકતા જાળવવા માટે યુનિવર્સીટી દ્વારા તમામ વિદ્યાર્થીઓની ઓ.એમ.આર શીટ યુનિવર્સીટીમાં જ એજન્સીને બોલાવીને ચકાસણી કરવામાં આવશે. યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન પરીક્ષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આગામી ર૦ સપ્ટેમ્બરથી સ્નાતક સેમ ૬ અને અનુસ્નાતક ર અને ૪ ની ર૩ પરીક્ષાઓ કોલેજોમાં ઓફલાઇન રીતે એમ.સી.કયું પદ્ઘતિથી ઓ.એમ.આર સીટથી લેવામાં આવનાર છે. આગામી ર૮ સપ્ટેમ્બર થી રિપીટર સ્નાતક અને અનુસ્નાતકની ૩ર પરીક્ષાઓ લેવામાં આવશે. માર્ચ જૂન ર૦ર૧ માં સ્નાતક કક્ષાની સેમ ૧ ૩ અને પ અને અનુસ્નાતક સેમ ૩ ની પૂરક પરીક્ષાઓ ૭ ઓકટોમ્બર થી લેવામાં આવનાર છે.
ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં અંદાજે પ૦ હજાર જેટલા છાત્રોની ઓ.એમ.આર સીટથી પરીક્ષાઓ લેવામાં આવનાર છે.ઓએમઆર સીટ એજન્સીને આપવાના બદલે કેમ્પસમાં બોલાવીને ચકાસણી કરાશે તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.