રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યરત મહિલા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણને યોગ્ય બજાર મળી રહે તે હેતુથી પાટણના પ્રગતિ મેદાન ખાતે પ્રાદેશિક મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
પ્રાદેશિક મેળામાં સ્વસહાય જૂથોની બહેનો દ્વારા હાથ બનાવટની ઉત્પાદિત વિવિધ વસ્તુઓ જેવી કે પેચવર્કના કુર્તા, ડ્રેસ મટીરીયલ, બેડશીટ, ટી શર્ટ, સાડી, ભરતગૂંથણની વસ્તુઓ, લેડીસ પર્સ, થેલા શોપીગ, બેગ, મોબાઈલ કવર, પગ લુછણીયા, કટલરી, માટીના ઝુમ્મર, કુંજા, શોપીસ, તોરણ, હિંચકા, માટલા, ખાખરા, પાપડ, મઠીયા, ગાંઠીયા, મુખવાસ, પાટણના પ્રખ્યાત દેવડા, મોહનથાળ, હલવો જેવી મીઠાઈ, હિંગ, મરચું, હળદર, સાબુ, ફીનાઈલ તથા ગરમા ગરમ નાસ્તાની અને ફટાકડા જેવી અનેક વસ્તુઓના રપ જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે, જે તા. ૩૦ ઓકટોબર, ર૦ર૧ સુધી ખુલ્લો મુકવામાં આવ્યો છે.
જેમાં સ્ટોલ શરૂ થયાના પ્રથમ દિવસમાંજ રૂ. ર,૩૭,૦૯૦ ની રકમની વસ્તુઓનું વેચાણ થયું હતું. તેમજ મહાવીર મિશન મંગલમ સ્વસહાય જૂથ સંડેર દ્વારા દૈનિક રૂ. ૪૦,૦૦૦ અને સખી સ્વસહાય જૂથ ધારપુર દ્વારા દૈનિક રૂ. રપ,૦૦૦ થી વધુ રકમનું વેચાણ કરીને લોકોનું ધ્યાન કેન્દ્રીત કયું હતું.
આ પ્રસંગે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ સૂત્રને સાર્થક કરી સ્થાનિક સખી મંડળની બહેનોની આવકમાં વધારો થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી દ્વારા અપીલ કરવામાં આવી હતી.