પાટણ શહેરમાં બગવાડા દરવાજા પાસે ભાજપના બેનર ઉપર આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવતા ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવતા મામલો થાળે પડ્યો હતો અને બન્ને બેનર ઉતારી લેવાયા હતા.
પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે BJP દ્વારા નારીશક્તિનું મોટું બેનર લગાવવામાં આવેલું હતું. જેના ઉપર સોમવારે મોડી રાત્રે AAP દ્વારા દિવાળી શુભેચ્છાનું બેનર લગાવવામાં આવતા ભાજપના કાર્યકરો દ્વારા ભાજપના બેનર ઉપર આપનું બેનર કેમ લગાવવામાં આવ્યું તે મામલે બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ સમગ્ર મામલો ઉગ્ર બને તે પહેલાં જ ઘટનાની જાણ પોલીસને થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને પાર્ટીના કાર્યકરોને અલગ કરી બંને પાર્ટી ના બેનરો બોર્ડ ઉપરથી ઉતારી લઈને સમાધાન કરાવતા મામલો થાળે પડ્યો હતો. પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
ફરી બોર્ડ ઉપર બેનર લગાડવા મામલે કોઈ વિવાદ ન થાય તે માટે નગરપાલિકા દ્વારા બોર્ડની આગળ જ ફાયર ફાઈટર મૂકી દઈને મંજૂરી વગર કોઈપણ પાર્ટી બેના લગાવે તેવી સૂચના આપવામાં આવી હતી.