હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(HNGU)માં MBBSની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઈ હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. પંકજ કુમારની અધ્યક્ષતામાં રચવામાં આવેલી સમિતિએ કરેલી તપાસમાં કૌભાંડ થયુ હોવાનું સાબિત થયું હતું.
ઉત્તરવહી ગુણ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે શિસ્ત ભંગના પગલા લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. પૂનઃમુલ્યાકન સાથે જોડાયેલા જે-તે સમયના કન્વિનર સામે સાત દિવસમાં પગલા ભરવાના પણ આદેશ અપાયા હતા. બેઠક નંબર 391,392 અને 406 નંબરની ઉત્તરવહીઓ બદલાઈ હોવાનો ખુલાસો થયો હતો.
કૌભાંડ બદલ કુલપતિને હોદ્દા પરથી દૂર કરી ફોજદારી કાર્યવાહી થઈ શકે છે
ગુજરાત સરકાર(Gujarat Government)ના મુખ્ય સચિવ પંકજકુમારની તપાસમાં મૂળ ઉત્તરવહી ગુમ થયાનું અને એના બદલે બીજી ઉત્તરવહી મુકાયાની બાબત સાબિત થઈ છે. સરકારે આ અહેવાલ સ્વીકાર્યો છે. કાયદાના એક એક્સપર્ટે જણાવ્યું હતું કે, ઉત્તરવહી ગુમ કરવી એ બદલ ફોજદારી ગુનો બને છે. એટલે સરકારની સૂચના મુજબ પુનઃ મૂલ્યાંકનની કામગીરી સાથે સંકળાયેલા જે નામ તપાસ અહેવાલમાં હોય તે તમામ સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. બીજું હાલના કુલપતિ જે.જે. વોરા તે સમયે આ પુનઃ મૂલ્યાંકન કામના સંયોજક હતા એટલે UGC 2018 કુલપતિની નૈતિકતાના નિયમો તથા GCSR જોતાં હોદ્દા ઉપરથી સરકારે તાત્કાલિક દૂર કરવા જોઈએ.