- બ્રેઝા કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી.
- યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે ઇન્ટિરિયલ માર્ગો પર બમ્ફ બનાવવામાં આવે તે વિદ્યાર્થી આલમની માંગ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નું શૈક્ષણિક કાર્ય દિવાળીના વેકેશન બાદ પુનઃ ધમધમતુ બન્યું છે ત્યારે યુનિવર્સિટીના ઇન્ટિરિયલ માર્ગ પર એક પણ જગ્યાએ બમ્ફ ન હોવાના કારણે છેલ્લા દસ દિવસની અંદર સોમવારના રોજ ત્રીજો અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઈન્ટરીયલ માર્ગો પર સર્જાતા વારંવારના અકસ્માતોને લઈને અનેક વખત વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિ ને આવેદનપત્ર આપી બમ્ફ બનાવવા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યુનિવર્સિટી ના સત્તાધીશોની ઉદાસીનતાના કારણે યુનિવર્સિટીના ઇન્ટેરિયલ માર્ગો પર આજદિન સુધી એક પણ જગ્યા ઉપર બમ્ફ કાર્યરત ન કરાતા અકસ્માતોની પરંપરા સજૉતી રહી છે. ત્યારે સોમવારના રોજ પાટણ શહેરના રત્નમણિ સોસાયટીમાં રહેતી હિના પંચાલ નામની યુવતી પોતાનું ગોલ્ડન કલરનુ એકટીવા નંબર જીજે ૨૪-સીજી ૩૮૯૯ પર યુનિવર્સિટી નાં ઇન્ટિરિયલ માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે યુનિવર્સિટીમાંથી પૂરઝડપે આવી રહેલા બ્રેઝા કારના ચાલકે ઉપરોક્ત એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારતા મહિલા રોડ પર પટકાઈ હતી અને એકટીવા નો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો.
યુનિવર્સિટીના માર્ગ પર સર્જાયેલી અકસ્માતની ઘટનાને પગલે વિદ્યાર્થીઓ સહિત યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા સિક્યુરિટીના જવાનોએ ધટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત બનેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી.
જોકે અકસ્માત સર્જી બ્રેઝા કારનો ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો.તો આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટિરિયલ માર્ગો પર અવાર નવાર સર્જાતા માર્ગ અકસ્માતના બનાવો ને અટકાવવા વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે બમ્પ ઉભા કરાય તેવી માંગ વિદ્યાર્થી આલમમાં પ્રબળ બનવા પામી છે.