આજથી 15 થી 18 વયજૂથના બાળકોને કોરોના વિરોધી કોવૅક્સિનની રસી આપવાના દેશ વ્યાપી અભિયાનનો આરંભ થઈ ગયો છે. ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને વૅક્સિનેશન પ્રક્રિયા અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં તરુણોના વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે.
ગાંધીનગરની જી એમ ચૌધરી શાળામાં શિક્ષણમંત્રીએ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરાવ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે બાળકોને અનુરૂપ વેકસીન છે અને પ્રક્રિયા પ્રમાણે મંજૂરી આપી છે. વાલીઓને અપીલ છે કે કોઈ પણ જાતના પેનિક કર્યા વિના બાળકોને રસી અપાવે. હું રાજ્યની જાગૃત જનતાને સાથ સહકાર માટે અભિનંદન આપું છું.
સ્કૂલોમાં કોરોનાના સંક્રમણ પર શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્યમંત્રીએ આજે તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત કરાવી છે. હું આ વયના બાળકો અને તેમના માતા પિતાને વિનંતી કરું છું કે અનેક અપ્રચાર ભ્રમણાઓ ભૂતકાળમાં ચલાવ્યા હતા. બાળકોમાં વેક્સિનેશન હાલ આપણી પાસે એકમાત્ર લડવા માટે શસ્ત્ર છે. રાજ્ય સહિત દેશની જનતાએ વેક્સિનેશનને સારો પ્રતિસાદ આપ્યો છે.
રસી લેનારા કોઈ તરૂણને આડઅસર થઈ નથી
બીજી બાજુ તરૂણોના વેક્સીનેશન શરૂ થયાને 4 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. રસી લેનારા કોઈ તરૂણને આડઅસર થઈ નથી. દેશના તરૂણોને વેક્સીનરૂપી કવચ અપાઈ રહ્યું છે. તરૂણોને વેક્સીન આપી દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આજે સવારથી શાળાઓમાં વેક્સીન લેવા માટે લાઈન લાગી છે. વિદ્યાર્થીઓને શાળામાં જ વેક્સીન આપવામા આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, દેશભરમાં આજથી 15થી 18 વર્ષના વયના તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત થઈ, જેમાં દેશના 7.40 કરોડથી વધુ તરૂણો ઉપરાંત ગુજરાતના અંદાજે 35 લાખથી વધુ તરૂણોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. 3 થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી મેગા ડ્રાઈવ અંતર્ગત 15 થી 18 વર્ષ વય જૂથના તરૂણોને વેક્સીનેશન સેન્ટર ઉપરાંત તેમની શાળામાં પણ રસી આપવામાં આવશે.