કોરોના રસીનો બીજો ડોઝ લીધાને ૯ મહિના પુરા થયા હોય એવા હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને બુસ્ટર ડોઝ અપાશે.
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વધતા જતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોન વેરીયન્ટના વ્યાપને પગલે નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા ૬૦થી વધુ વયના નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી હતી.
પાટણ જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૮૫૦૦ હેલ્થકેર વર્કર્સ, ૧૦૮૩૫ ફ્રન્ટલાઇન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના કો-મોરબીડ વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થનાર છે. આ રસી લેવાથી વ્યક્તિઓના શરીરમાં કોરોના વિરોધી એન્ટીબોડીઝનું સ્તર ઊંચુ આવશે જે કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે. જે વ્યક્તિઓએ કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લીધો હોય અને તેને ૯ મહિના પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિઓ પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર રહેશે.
પાટણ જિલ્લામાં બુસ્ટર ડોઝ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિઓને ક્રમાનુસાર બુસ્ટર ડોઝ આપવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુચારુ આયોજન કરાયું છે. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.