Ambalal Patel Aagahi : રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ બાદ હવે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14થી 17 માર્ચે કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 માર્ચથી વાદળો બંધાશે. 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.
કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. જ્યારે કચ્છમાં હીટ વેવ રહેવાની શક્યતા છે. કચ્છમાં આગામી બે દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધી જશે. સાથે અન્ય શહેરના મહત્તમ તાપમાન પણ ઊંચા આવશે. ગુજરાતમાં 13 અને 14 માર્ચે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ ખાબકશે. આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે. 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. તો આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હિટવેવ થઈ શકે છે. હાલમાં કચ્છમાં 37 ડિગ્રી, કંડલા 36.4, પોરબંદર, 37 અને વેરાવળ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોને કેટલાક મહત્વના સૂચન કરવામાં આવ્યા છે.