Indore Temple Incident : મંદિર ઘટનામાં અત્યાર સુધી 35 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે રામનવમી પર ભગવાન શ્રીરામના જન્મના થોડા સમય પહેલા આરતીની તૈયારી થઈ રહી હતી.
ઈન્દોર મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. ભગવાનના જન્મના થોડા સમય પહેલા મંદિરમાં આરતીની તૈયારી થઈ રહી હતી. અચાનક કૂવાની છત ધસી પડી હતી. આ ઘટનામાં ખરાબ રીતે ઘાયલ થયેલા બેલેશ્વર મંદિરના પુજારી લક્ષ્મીનારાયણ શર્માએ જણાવ્યું કે, “મારી આંખોની સામે જેટલા લોકો હતા તે બધા કૂવાની છત ધસી પડવાના કારણે નીચે પડ્યા. મેં પોતાની આંખોથી મોતનું તાંડવ જોયું. મેં જોયું કે કેવી રીતે લોકો તડપી રહ્યા છે. મૃતદેહો તરી રહ્યા છે.”
આ મોટી દુર્ઘટનામાં રાત સુધી આ આંક 15ની અંદર હતો. પરંતુ મોડી રાત્રે 12 વાગ્યે સેનાએ મોરચો સંભાળ્યો હતો. જે બાદ સેનાના જવાનોએ 5 કલાકમાં 21 મૃતદેહ બહાર કાઢ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, હાલ મૃતઆંક 35 પર પહોંચ્યો છે. જેમાં કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ લોકો ત્યાંના જ રહેવાસી હતા.
ગુજરાતી મૃતકોનાં નામ નીચે પ્રમાણે છે.
1. લક્ષ્મીબેન રતિલાલ દીવાણી 70 (ટોડીયા)
2. દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી 58 (નખત્રાણા)
3. કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી 32 (નખત્રાણા)
4. ગોમતીબેન ગંગદાસ પોકાર 70 (રામપર સરવા)
5. પુષ્પાબેન દિનેશભાઈ પોકાર 49 (હરીપર)
6. કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી 73 (નખત્રાણા )
7. પ્રિયંકા બેન પોકાર 30 (હરીપર)
8. વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી 58 ( વિરાણી મોટી)
9. શારદાબેન કેશવલાલ પોકાર 55 (રામપર, સરવા)
10. રતનબેન નાનજીભાઈ રામાણી 73 (નખત્રાણા )
11. જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી 72 (નખત્રાણા)
ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કલેક્ટર સાથે વાત કરી સ્થિતિની જાણકારી લીધી. ત્યાર બાદ તેમણે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
સાથે જ ઘાયલોની સારવાનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવીની જાહેરાત કરી છે.