Wheat Price : રાજ્યમાં ભર ઉનાળે થઇ રહેલા માવઠાનો માર મોંધવારી પર પણ જોવા મળી રહ્યો છે. માવઠાને લીધે પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. એક પછી એક માવઠાથી કેરી અને ઘઉં ઉપરાંત રવિ પાકને નુકસાન થયું છે. જેની અસર આ પાકના ભાવ પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઘઉંના ભાવમાં 40 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.
મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા પિસાઈ રહી છે. શાકભાજી, દૂધ, મસાલા અને ઈંધણના ભડકે બળતા ભાવ વચ્ચે સામાન્ય જનતાએ પોતાનાં બજેટ પર કાપ મૂકવાની ફરજ પડી છે. લોકો મોંઘવારીથી રાહત ઈચ્ચે છે, પણ થઈ રહ્યું છે તેનાથી ઉલટું. ગરીબ અને મધ્યમવર્ગની આવક વધે કે ન વધે, પણ મોંઘવારી વધવાનું નક્કી છે. ચીજવસ્તુઓના ભાવ માટે વધારો શબ્દ નિયમ બની ગયો છે. ભાવમાં ઘટાડો દુર્લભ છે. હજુ તો જનતા મોંઘવારીના એક માર સામે માંડ ટેવાય ત્યાં બીજી વસ્તુના ભાવ વધી જાય છે. ઉનાળાની શરૂઆત થતા ગૃહિણીઓ આખા વર્ષ માટે મસાલા અને અનાજ ભરતી હોય છે, ત્યારે હાલ ઘઉંના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. ગૃહિણીઓએ આ વખતે ઘઉંની એકસામટી ખરીદી પર ફરજિયાતપણે કાપ મૂકવો પડે તેમ છે. કેમ કે ઘઉંના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ઘઉંમાં આ ભાવ વધારાનું કારણ માવઠુ અને યુક્રેન રશિયાના યુદ્ધની અસર હોવાનું જણાવાય છે.
Wheat Price । ઘઉં નો ભાવ
હાલ દાઉદખાની ઘઉંની કિંમતમાં 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. 100 કિલોગ્રામ ઘઉંનોનો ભાવ 6800 રૂપિયા જેટલો છે. જે ગત વર્ષ કરતાં 40 ટકા વધુ નોંઘાયો છે. બીજી બાજુ, શિહોરી ટૂકડીનો ક્વિન્ટલ દીઠ ભાવ 4500 છે, જે ગત વર્ષે 3900 રૂપિયા જેટલો હતો. રજવાડી બંસીનો ભાવ 4300 છે, જે ગત વર્ષે 3800 રૂપિયા જેટલો હતો. લોકવનનો ભાવ 3500 છે, જે ગત વર્ષે 2900 રૂપિયા હતો. આમ, ઘઉંની વિવિધ ક્વોલિટીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પર અસર પડી છે. નબળી ગુણવત્તા છતાં ભાવમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીના ઘઉંની આવક ઓછી થઇ રહી છે. જેની સામે માંગ વધુ હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વેપારીઓ અનુસાર, આગામી દિવસોમાં ઘઉંની કિંમતમાં હજુ પણ વધારો થાય તેમ છે.