Cyclone Biporjoy : ભારત પાકિસ્તાનની બોર્ડર પર પણ તોફાની વરસાદ વચ્ચે દેશના જવાનો સરહદની સુરક્ષા કરી રહ્યા છે. કચ્છના જખૌ બંદર પાસે બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યા પછી તેની ભયંકર અસર બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ સહિતના ભાગોમાં તોફાની (extremely heavy) વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સરહદ પર તૈનાત છે અને દેશની સુરક્ષાની મહત્વની ફરજ નિભાવી રહ્યા છે.
અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદ સહિતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.
બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા છે. જ્યા ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં આજે બપોર સુધીમાં 117 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી નડાબેટ રણમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ વાવ તાલુકામાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં. સાંતલપુરમાં તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાયાં હતાં. જેથી લોકો પરેશાન થયા હતા. આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત મોરબી, જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદ પડશે, જ્યારે પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે. તો બનાસકાંઠામાં આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે કચ્છ, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડશે.