Banaskantha News : ડીસા બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ ત્રણ દિવસ અગાઉ ડીસાના રાજપુર વિસ્તારમાં એક યુવક ડૂબ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ભારે શોધખોળ બાદ પણ યુવકની લાશ હાથમાં આવી ન હતી. પરંતુ ત્રીજા દિવસે 40 કલાક બાદ શેરગંજ વિસ્તારમાંથી લાશ આપોઆપ તરીને પાણીની સપાટી પર આવી ગઈ હતી.
રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં શનિવારે રાત્રે પાણી છોડાતા રવિવારે ડીસા પાણી પહોંચતા ડીસાના રાજપુર વિસ્તારમાં રહેતો દશરથ મકવાણા નામનો યુવક નદીમાં નાહવા જતા ડૂબ્યો હતો. યુવક ડૂબવાની જાણ થતાં ડીસા નગરપાલિકાના તરવૈયાઓની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી વહીવટી તંત્ર દ્વારા લાશ બહાર કાઢવા ભારે શોધખોળ હાથ ધરાઈ હતી. જોકે બે દિવસ સુધી શોધખોળ કરવા છતાં યુવકની લાશ મળી ન હતી.
ત્યારે આજે સવારે રાજપુરથી આગળ નદીમાં જતા શેરગંજ વિસ્તારમાં એક યુવકની લાશ નદીમાં તરતી હોવાની સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરી હતી. જેથી સ્થળ પર જઈ તપાસ કરતા આ લાશ રાજપુરના મૃતક યુવક દશરથ મકવાણાની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તંત્ર દ્વારા તેના પરિવારજનોને જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.