AI company CEO mother killed 4 year old child : બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઇઓએ ગોવાની એક હોટલમાં તેના જ 4 વર્ષના પુત્રની હત્યા કરી નાખી. આ પછી તેણે લાશને બેગમાં પેક કરી અને ટેક્સી દ્વારા બેંગલુરુ ગઈ. ગોવા પોલીસની માહિતી બાદ કર્ણાટક પોલીસે મહિલાની તેના પુત્રના મૃતદેહ સાથે ધરપકડ કરી છે.
આરોપી મહિલાની ઓળખ 39 વર્ષીય સૂચના સેઠ તરીકે થઈ છે. તે સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફૂલ AI લેબની સહ-સ્થાપક છે. સૂચના તેના પુત્ર સાથે 6 જાન્યુઆરીના રોજ ગોવાની સોલ બનિયાન ગ્રાન્ડ હોટલમાં આવી હતી. તેણે સોમવારે (8 જાન્યુઆરી) હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું.
સૂચનાએ તેના પુત્રની હત્યા શા માટે કરી એનું કારણ પોલીસે જણાવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પતિથી છૂટાછેડાના કારણે તેણે આ પગલું ભર્યું છે. તેનો પૂર્વ પતિ હાલમાં ઈન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસે તેને ભારત આવવા કહ્યું છે.
વધુ વિગતો જાણીએ તો સૂચના સેઠ નામની આ મહિલા એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીની CEO છે. મહિલાના લગ્ન વર્ષ 2010માં જ થયા હતા અને વર્ષ 2019માં તેમને એક પુત્રનો જન્મ થયો હતો. સાથે જ જાણવા મળ્યું છે કે મહિલાનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે બંને કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી. આખરે કોર્ટે બંનેના છૂટાછેડા સ્વીકારી લીધા હતા. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે મહિલાના પતિ રવિવારે તેમના બાળકને મળી શકે છે, પરંતુ મહિલાને કોર્ટનો આ આદેશ પસંદ આવ્યો ન હતો. એટલા માટે મહિલા ગોવા આવી અને તેનો પતિ દીકરાને મળી ન શકે એટલા માટે દીકરાની હત્યા કરી હોવાનું કહેવાય રહ્યું છે.