18મી લોકસભાનું પરિણામ 4 જૂને આવી ગયું છે. 543 નવા ચૂંટાયેલા સાંસદોમાંથી 46% એટલે કે 251 વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાંથી 27 સાંસદોને અલગ-અલગ અદાલતોએ દોષિત ઠેરવ્યા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે અને હવે નવી લોકસભાની રચનાની તૈયારી થઈ રહી છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, આપણે આ ચૂંટણીમાં 251 ક્રિમિનલ્સ અને 504 કરોડપતિઓને ચૂંટીને મોકલ્યા છે.
ADR રિપોર્ટ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ 2024ની લોકસભા ચૂંટણી જીતનારા 543 વિજેતા ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરીને ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. એડીઆરે જણાવ્યું છે કે 18મી લોકસભા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા 543 સભ્યોમાંથી 46 ટકા એટલે કે 251 સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે. આ સાથે સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધીમાં આ લોકસભામાં ગુનાઈત પૃષ્ઠભૂમિ ધરાવતા સૌથી વધુ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે.
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટ અનુસાર, આ અત્યાર સુધીના દાગી સાંસદોનો સૌથી મોટો આંકડો છે. અગાઉ 2019માં, ફોજદારી કેસ ધરાવતા 233 (43%) સાંસદો લોકસભા પહોંચ્યા હતા.
170 સાંસદો પર ગંભીર ગુના
નવા ચૂંટાયેલા 251 સાંસદોમાંથી 170 પર બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસ છે. ભાજપના 63 સાંસદો, કોંગ્રેસના 32 અને સપાના 17 સાંસદો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આ યાદીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 7, DMKના 6, તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 5 અને શિવસેનાના 4 સાંસદોના નામ છે.
3 સાંસદો, જેમની સામે સૌથી વધુ કેસ
સંસદમાં પહોંચેલા સૌથી દાગી સાંસદોમાં કેરળની ઇડુક્કી સીટથી કોંગ્રેસના ડીન કુરિયાકોસનું નામ ટોચ પર છે. ડીન 1.33 લાખ મતોથી જીત્યા છે. તેની સામે લગભગ 88 કેસ નોંધાયેલા છે. આ યાદીમાં બીજું નામ કોંગ્રેસના શફી પરમ્બિલનું અને ત્રીજું નામ ભાજપના એતલા રાજેન્દ્રનું છે.
15 સાંસદો મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા
2024ની ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચેલા સાંસદોમાંથી 15એ મહિલાઓ વિરુદ્ધ અપરાધો સંબંધિત કેસ જાહેર કર્યા છે. જેમાંથી 2 પર આઈપીસીની કલમ 376 હેઠળ બળાત્કારનો આરોપ છે. આ સિવાય 4 સાંસદોએ અપહરણ સંબંધિત કેસ જાહેર કર્યા છે. 43એ તેમના ચૂંટણી એફિડેવિટમાં અભદ્ર ભાષા સાથે સંબંધિત કેસોનો ઉલ્લેખ કર્યો હતો.
સૌથી ધનિક સાંસદ
સૌથી ધનિક સાંસદમાં આંધ્ર પ્રદેશની ગુંટુર બેઠક પરથી ચૂંટાયેલા ટીડીપીના ચંદ્રશેખર પેમ્માસાનિ, જેમની સંપત્તિ રૂ. 5705 કરોડ છે. બીજા ક્રમે તેલંગણાના ચેવેલામાંથી ભાજપના વિશ્વેશ્વર રેડ્ડી છે, જેમની સંપત્તિ રૂ. 4568 કરોડ છે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી જીતનારા નવીન જિંદાલ રૂ. 1241 કરોડની સંપત્તિ સાથે ટોચના ત્રણ સાંસદોમાં ત્રીજા ક્રમે છે.
વધુમાં એડીઆરના રિપોર્ટમાં 18મી લોકસભાના વિજેતા સાંસદોની શૈક્ષણિક યોગ્યતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ 543માંથી 105 (19 ટકા) ઉમેદવારોએ ૫માં અને ૧૨મા ધોરણ વચ્ચે અભ્યાસ કર્યો છે. ૧૭ વિજેતા ઉમેદવારો ડિપ્લોમા ધરાવે છે. આ સિવાય એડીઆરના રિપોર્ટ મુજબ 543 વિજેતા સાંસદોમાંથી માત્ર 74 (14 ટકા) મહિલાઓ છે. આ પહેલાં 2019માં 77 મહિલાઓ વિજેતા થઈ હતી.
પક્ષ | વિજેતા | ગુનાઈત કેસવાળા | ટકા |
ઉમેદવાર | |||
BJP | ૨૪૦ | ૯૪ | ૩૯ ટકા |
કોંગ્રેસ | ૯૯ | ૪૯ | ૪૯ ટકા |
સપા | ૩૭ | ૨૧ | ૫૭ ટકા |
તૃણમૂલ | ૨૯ | ૧૩ | ૪૫ ટકા |
DMK | ૨૨ | ૧૩ | ૫૯ ટકા |
TDP | ૧૬ | ૮ | ૫૦ ટકા |
શિવસેના | ૭ | ૫ | ૫૭ ટકા |