સમી તાલુકાના અનવરપુરા ખાતે ૧૧૦ વર્ષના રઘુભાઈએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લઈ આપ્યો રસીકરણનો સંદેશ
‘ઘરડા ગાડા વાળે’. આ લોકોક્તિમાં કહેવાયું છે તેમ મુશ્કેલીના સમયમાં ગમે તેવી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી તેનો ઉકેલ લાવવામાં વરિષ્ઠ નાગરિકો અવ્વલ હોય છે. અનુભવોના આધારે ઘડાયેલી તેમની નિર્ણયશક્તિ અને કોઠાસુઝથી કરવામાં આવેલા કામો પ્રેરણાદાયક બની રહેતા હોય છે. પાટણ જિલ્લાના આવા જ એક વરિષ્ઠ નાગરિક ભરવાડ રઘુભાઈએ કોરોના પ્રતિરોધક રસી લઈ અન્યોને પ્રેરણા પુરૂ પાડી છે.
કોરોના વાયરસ સામેની લડાઈમાં વિજય મેળવવાની એકમાત્ર રણનીતિ રસીકરણ છે. અને એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા રસીકરણ ઝૂંબેશ શરૂ કરી રાજ્યના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનું રક્ષાકવચ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં જીવનની સદી વટાવી ચૂકેલા પાટણ જિલ્લાના સમી તાલુકાના અનવરપુરા ગામે રહેતા રઘુભાઈ હરજીભાઈ ભરવાડે કોરોના વાયરસ સામેની લડાઈમાં મોરચો માંડ્યો છે. આ વયમાં પણ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહેલા રઘુભાઈએ કોરોના પ્રતિરોધક રસી લઈ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે જવાબદાર નાગરિક તરીકેનું કર્તવ્ય પણ નિભાવ્યું.
રઘુભાઈ કહે છે કે, ઉંમરની સાથે શરીર નબળું પડે અને રોગ થવાની શક્યતા વધી જાય. કોઈ ગમે તે કહે પણ રસી લેવાથી રોગ ના થાય તેવી સાદી સમજ તો દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. એટલે આટલી ઉંમરે પણ મેં રસી લીધી છે. મને તેનાથી કોઈ આડઅસર પણ થઈ નથી. હું તો દરેકને એમ જ કહીશ કે તમારે પણ આ રસી લેવી જોઈએ.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનની સાથે સાથે પોતાના અને પરિવારના સ્વાસ્થ્યની સલામતી માટે કોરોના પ્રતિરોધક રસી લેવી આવશ્યક છે. રાજ્ય સરકાર દ્વારા હાલ વરિષ્ઠ નાગરિકોને રસીકરણનો કાર્યક્રમ ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ મૅગા વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે નાગરિકોએ પણ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા રસી લઈ સહયોગ આપવો આવશ્યક છે.