brothel
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ઔડાના મકાનમાં ચાલતા કૂટણખાના (brothel) નો પર્દાફાશ થયો છે. તો પોલીસે અહીંથી 11 યુવતીઓને મુક્ત કરાવી છે. આ કૂટણખાનું રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કંટ્રોલરૂમને જાણ થઇ કે અહીં કેટલીક યુવતીઓને અહી ગોંધી રાખી અનૈતિક કામ કરાવવામાં આવે છે. તેથી જાણકારી થતા જ પોલીસે આ કાર્યવાહી કરી હતી.
આ આરોપીએ મહારાષ્ટ્ર અને બંગાળથી આ યુવતીઓને બોલાવી હતી. આરોપી આ યુવતીઓ પાસે અનૈતિક કામ કરાવતો હતો. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે, આરોપી રાજુ યાદવે કરારના આધારે આ મકાનોમાં પોતાનો કબજો કર્યો હતો. તેમજ આ મકાનોમાં જ તેણે અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મકાનમાં અંદર યુવતીઓને રાખવામાં આવી હતી. જ્યારે ગ્રાહકોને શાહી સવલતો પૂરી પાડવા માટે ઔડાના મકાનના રૂમોમાં એસી, એલઈડી ટીવી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી.
પોલીસે કાર્યવાહી કરતા રોકડા રૂપિયા 14,540, ત્રણ એલઈડી ટીવી, 5 એસી, 12 મોબાઈલ અને 1 રિક્ષા જપ્ત કરી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એક ગ્રાહકની પણ ધરપકડ કરી છે. સ્થાનિક સૂત્રો મુજબ, આ અંગે અગાઉ પણ અનેક વખત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.