Padmanabha temple
પાટણ શહેરમાં યોજાનાર પદ્મનાભ ભગવાન (Padmanabha temple) ના ધાર્મિક મેળામાં વધુ પ્રમાણમાં જાહેર જનતા એકસાથે ભેગા ન થાય અને કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પદ્મનાભ મંદિરના સંકુલમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલી સત્તાની રૂએ પાટણ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તાના વિસ્તારમાં તા.૨૯/૧૧/૨૦૨૦થી તા.૦૫/૧૨/૨૦૨૦ સુધી પદ્મનાભ મંદિરના સંકુલમાં સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તેમજ તે ચતુર્દિશામાં જતા તમામ માર્ગોના ૦૧ કિલોમીટર વિસ્તારમાં એક સાથે વ્યક્તિઓએ ભેગા નહીં થવા માટે તથા કોઈપણ જાતના ખાણીપીણીના સ્ટોલ, લારી, ફેરિયા કે અન્ય કોઈપણ મનોરંજનના સાધનો નહીં ગોઠવવા ફરમાવવામાં આવ્યું છે.
આ જાહેરનામું તા.૨૯/૧૧/૨૦૨૦ના ૦૦.૦૦ કલાકથી તા.૦૫/૧૨/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ પણ જુઓ : ચાલુ એક્ટીવા પર પાછળથી નર્સ પત્નીને મારીને પતિ ભાગી ગયો
કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં રોકાયેલા અધિકૃત કરાયેલા સરકારી અધિકારી કે કર્મચારી, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી દ્વારા મુક્તિ અપાયેલા પદ્મનાભ મંદિરની પુજા વિધિ માટે નિયત કરાયેલા પાસ ધરાવતાં લોકો, આરોગ્ય વિભાગની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ તથા નગરપાલિકાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહીં.
રાજ્ય તથા પાટણ જિલ્લામાં કોરોનાની હાલની સ્થિતિને લક્ષમાં લેતાં, દિન પ્રતિદિન વધતાં કોવિડ-૧૯ના કેસો અને વધતાં સંક્રમણને અટકાવવા એક સ્થળે વધુ માણસો એકત્રિત ન થાય તે જરૂરી હોવાથી જાહેર હિતમાં પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રી મેળાના આયોજનને પણ મંજૂરી આપવામાં આવી નથી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.