પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામનો દેવીપુજક યુવાન દેવીપુજક કૈલાશભાઈ કરમશીભાઈ હાલ ઉંમર વર્ષ 40, બાર વર્ષ પહેલા પોતાના ઘરેથી કહ્યા વિના નીકળી ગયો હતો તે પછી યુવાનના પિતા સહિત પરિવારજનોએ ગુમ થયેલા યુવાનને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યું હતું અને એક લાખથી વધારે ખર્ચ થયો હતો. પરંતુ બાર વર્ષ સુધી ગુમ થયેલા યુવાનનો કોઈ પતો ન મળતા અંદાજે 12 વર્ષ બાદ ભાવનગર પંથકના વાવડી ગામથી ચંદ્રુમાણા ગામના પૂર્વ સરપંચ ઉપર ફોન આવ્યો કે તમારા ગામનું નામ લેતું કોઈ યુવાન આ ગામમાં છે ત્યારબાદ બાબુભાઈ પરમાર હાલના સરપંચ શૈલેષભાઈ દેસાઈ ની જાણ કરતા શૈલેષભાઈ દેવીપુજક પરિવારનો સંપર્ક થઈ તેમનો પુત્ર ભાવનગર બાજુ હોવાનું ફોન આવ્યો છે અને ફોટો બતાવતા ગુમ થયેલા યુવાનના પિતાએ તેમના પુત્રનો જ ફોટો હોવાનું જણાવતા યુવાનના પિતા સહિત તેમના પરિવારજનો ગુમ થયેલા યુવાનનો જે પત્તો મળ્યો હતો ત્યાં ભાવનગરના વાવડી ગામે પહોંચી પરત લઈ આવ્યા હતા. પરિવારજનો દ્વારા ગામમાં લવાતા વાગતા ઢોલે સ્વાગત કરી ઘરે લવાયો હતો.
ચંદ્રુમાણા થી 12 વર્ષ પહેલા ઘરેથી કહ્યા વિના ચાલ્યા ગયેલા યુવાનને તેના પરિવાર દ્વારા ભાવનગરના વાવડી ગામેથી પરત લવાતા આખું ગામ તેને જોવા માટે ઉમટી પડ્યા હતા અને વાગતા ઢોલે સ્વાગત કરી પોતાના ઘરે લઈ જવાયા હતા અને તે દરમિયાન યુવાનનું પરિવારજનો સાથે 12 વર્ષ બાદ મિલન થતા ભાવિક દ્રશ્યો સર્જાયા હતા.
આ અંગે યુવાનના પિતાએ જણાવ્યું કે પાંચ પુત્ર અને બે પુત્રીઓ સહિત સાત સંતાનો છે જે પૈકી ત્રીજા નંબરનું સંતાન કૈલાશભાઈ દેવીપુજક આજથી બાર વર્ષ પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો તેને શોધવા માટે સગા સંબંધીઓ સહિત આકાશ પાતાળ એક કરીને અંદાજે એકથી દોઢ લાખ રૂપિયા નો ખર્ચ કર્યો હતો પરંતુ કોઈ જ પત્તો મળ્યો ન હતો અને જે તે સમયે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન જાણવા જોગ નોંધ પણ કરાવી હતી અને હવે મારો પુત્ર નહી મળે તેવું લાગતું હતું પરંતુ 12 વર્ષ બાદ અમારા ઘરે સરપંચ શૈલેષભાઈ દેસાઈએ આવીને કહ્યું કે તમારો પુત્ર ભાવનગર વિસ્તારમાં વાવડી ગામે છે તેવો ફોન પૂર્વ સરપંચ બાબુભાઈ પર આવ્યો હતો. અને વોટ્સએપ પર આવેલો ફોટો બતાવતા મારા પુત્રને ઓળખી બતાવ્યો હતો અને અમે ભાવનગર વિસ્તારના વાવડી ગામે ગયા હતા અને ત્યાં પોતાનું જીવન વ્યતિત કરતો હતો આજે બાર વર્ષ બાદ મારો પુત્ર મને મળ્યો તેનો આનંદ છે એમ કહીને ભાવુકતા વ્યક્ત કરી હતી.