ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ અંતર્ગત તા.૦૧ જૂન, ૨૦૨૧ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને અગ્રતાના ધોરણો મુજબ અપાશે પ્રવેશ
રાજ્ય સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણના કાયદા-૨૦૦૯ અંતર્ગત તા. ૧ જુન,૨૦૨૧ ના રોજ ૦૫ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા નબળા અને વંચિત જુથના બાળકોને ધોરણ-૦૧માં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ–૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જુથના બાળકોને કુલ બેઠકોના ૨૫ ટકાના પ્રમાણે ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.
જેમાં તા.૧ જુન,૨૦૨૧ના રોજ ૦૫ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને તેમની અગ્રતાના ધોરણોને ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. આ યોજનાનો લાભ અનાથબાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળું બાળક, બાલ ગૃહના બાળકો, બાળ મજુર તથા સ્થળાંતરીત મજુરના બાળકો, મંદ બુધ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો જેમાં ખાસ જરૂરીયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા- ૨૦૧૬ની કલમ ૩ ૪(૧)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, (ART) એન્ટી – રેટ્રોવાયરલ થેરપીની સારવાર લેતા હોય તેવા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસદળનાં જવાનના બાળકો, ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી(SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકોના પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, અને વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતાને ધ્યાને લઈને પ્રવેશ આપવામાં આવશે.
ઉપરાંત જે માતા-પિતાને એક માત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો, અનુસુચિત જાતિ (SC) કેટેગરીના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે તથા જનરલ કેટેગરી તેમજ બિન અનામત વર્ગના બાળકોને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦ મર્યાદાના આધારે પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.