Agnipath Scheme Protest

Agnipath Scheme Protest: અગ્નિપથ સ્કીમની જાહેરાત થતાની સાથે જ જે યુવાનોએ સેનામાં જવાનું સપનું જોયું હતું તેમને લાગવા લાગયું કે તેમનું સપનું તૂટી રહ્યું છે. લાંબા સમય સુધી દેશની સેવા કરવાના બદલે દુશ્મન દેશને જાણે તે પહેલા જ નિવૃત્તિની વાત આવતા યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચાર વર્ષની સેનાની નોકરી વિશે યુવાનો કલ્પના નથી કરી શકતા અને જેના કારણે તેઓ આક્રામક વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં બિહારમાં તો યુવાનો એટલા બધા ગુસ્સામાં છે કે ટ્રેનને આગ ચાંપી દેવાથી લઈને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. દેશની કરોડરજ્જુ ગણાતા યુવાનોમાં ભડકેલો આક્રોશ જોઈને સરકાર બેકફૂટ પર આવશે કે નહીં તેને લઈને અનેક ચર્ચા અને અટકળો લગાવવામાં આવી રહી છે. બિહારના છપરા, સમસ્તીપુર, આરા, લખીસરાય જેવા જિલ્લાઓમાં ટ્રેનને આગ ચાંપી દીધાની ઘટના બની છે. બિહારમાં સતત ત્રણ દિવસથી યુવાનો અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. યુવાનો કહી રહ્યા છે કે અમે 4 વર્ષ નોકરી કરીને ગોળી ખાઈએ અને તમે 40 વર્ષ સુધી ACમાં બેસીને રાજ કરો?

બેકાબૂ હિંસક પ્રદર્શનને જોતા બિહારના ગૃહ વિભાગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રેલવે એસપી, જિલ્લા કલેક્ટર, વરિષ્ઠ પોલીસ અધિક્ષક જેવા આલાઅધિકારીઓને એલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે. બિહારમાં હિંસક પ્રદર્શનના મામલે અત્યાર સુધી 100થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 24થી વધારે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

સરકારની આ યોજના સામે હરિયાણામાં પણ ઘણા જિલ્લામાં યુવાઓએ પ્રદર્શન કર્યું છે અને હાઇવે જામ કર્યો છે. આ સિવાય રેલવે ટ્રેક ઉપર પણ વિધ્ન ઉભા કર્યા છે. જાણકારી પ્રમાણે અગ્નિપથ યોજનાને લઇને હિસારમાં યુવાઓમાં રોષ છે. યોજનાના વિરોધમાં હિસારમાં સેકડો યુવાનો રસ્તા પર ઉતર્યા છે. હરિયાણાના ઘણા જિલ્લામાંથી ભરતી માટે યુવાનો હિસારમાં ટ્રેનિંગ લે છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને હોબાળો ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું- બે વર્ષથી સેનામાં ભરતીની તક મળી નહતી. જેના કારણે ભરતી પ્રક્રિયા અટકી પડી છે. આ વિચારીને સરકારે હાલમાં જ અગ્નિવીરોની ભરતી કરવા માટે વય મર્યાદામાં બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. રાજનાથ સિંહે યુવાનોને અપીલ કરતા કહ્યું હતુ કે વિરોધ ન કરો અને ભરતીની તૈયારી કરો.

રોષે ભરાયેલા યુવાનોએ કહ્યું હતું કે માત્ર 4 વર્ષ માટે ભરતી કરવી એ રોજગારના અધિકારનું ઉલ્લંઘન છે. આ દરમિયાન તેમણે ધારાસભ્ય, સાંસદ સામે કટાક્ષ કરતાં કહ્યું હતું કે શું કોઈ ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રીનો પુત્ર સેનામાં ભરતી થયો છે. સેનામાં ગરીબ ખેડૂતનો દીકરો જ જાય છે. સરકાર લોકોની સાથે અન્યાય કરી રહી છે. તેને સહન કરવામાં આવશે નહીં. કેન્દ્રની મોદી સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

સરકારે વય મર્યાદા વધારી
કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાની જાહેરાત કરી છે. જોકે આ છૂટ આ વર્ષ માટે જ લાગુ થશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં કોઈ ભરતી ન થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અગ્નિવીર બનવાની વય મર્યાદા 17.5 વર્ષથી 21 વર્ષ હતી.

અગ્નિપથ યોજનાને લઈને દેશનાં ઘણાં રાજ્યોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ગુરુવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ઝારખંડ સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.