Ahmedabad : ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) લોકદરબાર પહેલા જ વિરોધના સૂર ઊઠ્યા છે. રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ મળી છે.. અમદાવાદમાં ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી કહ્યું કે, ‘જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે કોઈ શક્તિ હોય તો તેઓ હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના દર્દીઓના દુ:ખ કરે.’
બાબા બાગેશ્વર (Bageshwar Dham) ગુજરાતમાં આવે તે પહેલા જબરદસ્ત વિવાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર અલગ-અલગ શહેરોમાં લાગવાનો છે. તેમાં શરૂઆત સુરતથી થવાની છે. ત્યાર બાદ તેમનો દરબાર અમદાવાદમાં લાગવાનો છે. અમદાવાદમાં ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં તેમનો આ દરબાર ભરાશે. ત્યાર બાદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં પણ દરબાર લાગવાનો છે.
મહત્વનું છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં લગાવે તે પહેલા જ તેમની સામે વિરોધના સૂર ઉઠ્યા છે. એટલે આગામી દિવસોમાં તેમનો આ દિવ્ય દરબાર ભરાય છે કે પછી વિવાદ સર્જાય છે, તે જોવાનું રહ્યું.
અમદાવાદના ડૉક્ટર વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. ડૉ.વસંત પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ચેલેન્જ આપી છે. ડૉ.વસંત પટેલે જણાવ્યું છે કે, તેમનામાં કોઈ શક્તિ કામ કરતી હોય તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુઃખ દૂર કરે.