Ahmedabad : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો, ત્યાં પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરતા પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે પ્રેમિકાને લોહીલૂહાણ કરી નાખી હતી. આ સમગ્ર બનાવવામાં ઈજાગ્રસ્ત પ્રેમિકાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
શહેરના નોબલનગર વિસ્તારમાં પરિવાર સાથે લગ્નનો પ્રસ્તાવ લઇને ગયેલા યુવકે યુવતીને ગળા પર છરીનો ઘા મારી દીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીએ ઘરના સભ્યો વચ્ચે યુવકને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. યુવક રિક્ષા ચલાવે છે અને તે યુવતીને પ્રેમમાં હતો. જોકે, યુવતી તેને મિત્ર માનતી હતી. યુવતી પેસેન્જર તરીકે યુવકની રિક્ષામાં બેઠી ત્યારેથી તે એકબીજાના સંપર્કમાં હતા.
નોબલનગર વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની પાછળ રહેતી 27 વર્ષીય યુવતીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નવીન કોષ્ટિ (રહે, નારોલ) નામના યુવક વિરૂદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. યુવતી હાલ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. જેની પાછળનું કારણ નારોલ વિસ્તારમાં રહેતો નવીન કોષ્ટિ છે. જે એક તરફી પ્રેમમાં પાગલ છે. યુવતીએ લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા નવીને પરિવારના સભ્યો વચ્ચે હિંસક હુમલો કરી દીધો હતો.
યુવતી તેના બાળકને સ્કૂલે મૂકવા જવા માટે રિક્ષામાં જતી હતી. રોજ એક જ વ્યક્તિ રિક્ષા લઈને આવતો હતો. જેથી નિશાને તે રિક્ષાચાલક નવીન કોસ્ટી સાથે ઓળખાણ થઈ હતી. નવીન કોસ્ટી અને યુવતી એકબીજા સાથે વાતો કરતા હતા. ફોન પર ઘણી વખત તેની સાથે વાતો થતી હતી તે સમયે નવીન યુવતીના પ્રેમમાં પડ્યો અને યુવતીને પામવા માટે પ્રયાસ કરવા લાગ્યો હતો. પરંતુ યુવતીના છૂટાછેડા થયા ન હતા.
યુવતી નવીન સાથે વાતો કરતી હતી પણ નવીન સાથે લગ્ન કરવા તેનો કોઈ વિચાર ન હતો. યુવતી ગઈકાલે બપોરે પોતાના ઘરે હતી ત્યારે નવીન એના પરિવારને સાથે લઈને યુવતીના ઘરે પહોંચી ગયો હતો. તેણે બધાની હાજરીમાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા માટે કહ્યું પણ યુવતીએ ના પાડી. કારણ કે, તેના છૂટાછેડા થયા ન હતા, પરંતુ નવીન જીદ પકડીને બેઠો હતો.
લગ્ન કરવાની ના પાડતા નવીને પોતાની પાસે રહેલી છરીનો એક ઘા યુવતીના હાથમાં માર્યો હતો. ત્યારબાદ એક છરીનો ઘા તેના ગળા પર પણ માર્યો હતો. આથી યુવતી લોહીલૂહાણ હાલતમાં ઢળી પડી હતી. બાદમાં આસપાસમાંથી લોકો એકત્ર થઈ જતા હુમલાખોર નવીન પરિવાર સાથે ભાગી ગયો હતો. બાદમાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, સરદારનગર પોલીસે આરોપી નવીનને ઝડપી લીધો છે.