Ahmedabad News : સોશિયલ મીડિયા કેટલાક લોકો માટે લાભદાયી સાબિત થાય છે તો કેટલાક લોકો માટે મુસીબતોનો પહાડ ઊભો કરી દે છે. આવો જ એક કિસ્સો વાડજ વિસ્તારમાં બન્યો છે. વાડજમાં રહેતી એક યુવતીને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા થઇ. જે પ્રેમ સંબંધમાં પરિણમી હતી. થોડા સમય બાદ યુવતીને જાણવા મળ્યું હતું કે યુવક પરિણીત છે. જેથી તેણે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. યુવતીએ વાત બંધ કરી દેતાં યુવક તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવકના ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.
વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતીને એકાદ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. યુવતીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને તેની પ્રોફાઇલમાં ફોટો જોતા જાણવા મળ્યું હતું કે, આ યુવક અગાઉ તેઓ જ્યાં રહેતા હતાં, ત્યાં રહેતો હતો. યુવતીએ અવારનવાર તેને જોયો હતો. જેથી તેણે ઇન્ટાગ્રામ યુવક સાથે વાતચીત કરવાનું ચાલું રાખ્યું હતું. બંન્નેએ બેથી ત્રણ મહિના સુધી ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી હતી. ત્યાર બાદ યુવકએ તેના મોબાઇલ પરથી યુવતીને ફોન કરતાં તેઓ મોબાઇલ ફોનથી વાતચીત કરતા હતાં અને બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
જોકે, કેટલાક સમય બાદ યુવતીને જાણવા મળ્યું હતું કે, યુવકના લગ્ન થઇ ગયા છે. જેથી યુવતીએ તેની સાથે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે, તેની પત્ની સાથે તેને છૂટાછેડા લેવાના છે અને ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવાનો છે. પરંતુ તે તેની પત્નીને છૂટાછેડા આપતો ન હતો અને યુવતી સાથે ઠગાઇ કરતો હોવાની શંકા જતાં યુવતીએ તેની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડી હતી. છતાં આરોપી યુવક યુવતી જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જતો હતો અને યુવતીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જોકે, અંતે કંટાળીને યુવતીએ આ સમગ્ર બાબતની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.