Ahmedabad : અમદાવાદના કણભામાં થોડા દિવસ પહેલા 14 વર્ષની એક સગીરાનું અપહરણ થયું હતું. આ કેસની તપાસમાં હવે માનવ તસ્કરીનું આખું કૌભાંડ ઝડપાયું છે. સગીરાનું અપહરણ કરીને તેને અન્ય રાજ્યોમાં વેચીને ગેરકાયદેસર લગ્ન કરાવાતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક સગીર, બે મહિલાઓ સહિતના આરોપીને ઝડપીને તપાસ શરૂ કરી છે. સાથે જ સગીરાને છોડાવીને તેના પરિવારને પરત સોંપી છે.
પોલીસે સગીરાને મુક્ત કરાવીને પરિવાર સાથે મિલન કરાવ્યું
અમદાવાદ જીલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસએ બે મહીલા સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમણે શહેરની વધુ એક સગીરાનું અપહરણ કરીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ તેને વહેંચી દીધી હતી. જે અંગેની માહિતી પોલીસને મળતા પોલીસે સગીરાને મુક્ત કરાવીને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ સાથે પોલીસે અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરી છે. અગાઉ પોલીસે અશોક પટેલ, તેની પત્ની રેણુકા પટેલ અને રૂપલની ધરપકડ કરી હતી. જ્યારે આ ઉપરાંત પોલીસે આરોપીઓને આશરો આપનાર મોતીભાઇ સેનમા, અમરતજી જગાણીયા અને ચેહરસિંગ સોલંકીની ધરપકડ કરી છે. જો કે અશોકનો સગીર વયનો પુત્ર પણ આ ગુનામાં સામેલ છે. જેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસ તપાસમાં ખુલાસા મુજબ, અશોક તેની પત્ની અને તેનો સગીર પુત્ર આ સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. જેમાં તેઓ કોઈ ચોક્કસ સગીરાને ટાર્ગેટ કરીને અપહરણ કરતા. બાદમાં બાપ-દીકરો તેના પર દુષ્કર્મ ગુજારતા હતા, આમ સગીરાને માનસિક રીતે તોડી નાખીને ધમકાવતા કે તારા માતા-પિતા પાસે જઈશ તો તેમની બદનામી થશે. બાદમાં બનાસકાંઠાના અમરતજી ઠાકોરની મદદથી સગીરાને મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં વેચીને તેના ગેરકાયદેસર લગ્ન કરાવતા. જોકે લગ્ન કરાવી સગીરા પાસે ચોરી કરાવી તેને લૂંટેરી દુલ્હન બનાવતા હતા.
ત્યારે પોલીસની તપાસમાં અમદાવાદના શાહીબાગમાંથી પણ આરોપીઓએ એક સગીરાનું અપહરણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. બાદમાં તેને રાજસ્થાનની ગેંગને વેચી દીધી હતી. આ ગેંગ તેનો લૂંટેરી દુલ્હન તરીકે ઉપયોગ કરતી હતી. આગામી દિવસોમાં આ માનવ તસ્કરીના કૌભાંડમાં હજુ પણ અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.