Ahmedabad: દિવાળીના તહેવારોમાં આંગડિયાના પાર્સલોની આડમાં થતી નશીલા પદાર્થો અને નકલી નોટોની હેરાફેરી રોકવા માટે પોલીસે શહેરની તમામ આંગડિયા પેઢીના સંચાલકો સાથે મીટિંગ યોજી હતી, જેમાં કોઈ પણ નવા ગ્રાહક પાર્સલ મોકલવા આવે તો તેનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટો આઈડીની કોપી લેવા આદેશ કર્યો છે તેમ જ પેઢીની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તે ગ્રાહકના ફોટો સ્પષ્ટ દેખાય તેવા સીસીટીવી લગાવવા સૂચના આપી છે.
એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 25 જેટલી આંગડિયા પેઢી, 60થી 70 સિક્યોરિટી એજન્સી અને 20 જેટલા મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો સાથે મીટિંગ યોજી હતી. આ બેઠકમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્ત્વો આંગડિયામાં પાર્સલ મારફતે નશીલા પદાર્થોની હેરાફેરી કરતા હોવાનું ફલિત થયું છે. આવા તત્ત્વો પર નજર રાખવા કેટલીક અગત્યની સૂચના અપાઈ છે.
મોલમાં વાહનોનું સ્કેનિંગ ફરજિયાત કરવું પડશે
મોલ-મલ્ટિપ્લેકસમાં આવતા લોકોનું અને વાહનોનું સ્કેનિંગ ફરજિયાત કરવા, દિવાળીની ખરીદી માટે બજારોમાં તેમ જ મોલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે, જેથી આતંકવાદી હુમલા કે બીજી કોઈ ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે મોલના સીસીટીવી ચેક કરવાની પણ સૂચના આપવામાં આવી છે.