અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ હવે ફરીથી શરૂ થશે. આ સમાચાર બાદ ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ છવાયો હતો. ત્યારે અંબાજી પ્રસાદ વિવાદ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક કરવામાં આવી હતી. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદીમાં અપાતા મોહનથાળને બંધ કરાતા ભક્તોમાં ભારે રોષ છવાયો છે. જેના કારણે ગુજરાત સરકારે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે.
ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારે ચીકીને પ્રસાદમાં ઘૂસાડી દીધી છે. ભક્તોને પ્રસાદમાં પ્રિય મોહનથાળ છે. છતાં સરકારે બંનેને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં મોહનથાળની ક્વોલિટી સુધારવામાં આવશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.