Siddhapur : સિદ્ધપુરમાં આવેલી લાલ દોશીની પોળ પાસેથી શુક્રવારે વધુ એક પગ મળી આવ્યો હતો. 17અને 18 તારીખે સિદ્ધપુરના અલગ અલગ વિસ્તારમાંથી પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે પાટણ પાલિકાએ ફોર્સથી કેમિકલ યુક્ત પાણી છોડતા વધુ એક પગ મળી આવ્યો હતો. જો કે, પગ મળી આવ્યા બાદ સિદ્ધપુર પાલિકા માનવતા ચૂકી હતી. સિદ્ધપુરમાં જાણે એમ્બ્યુલન્સ કે કોઈ અન્ય વાહન જ ન હોય તે રીતે પાલિકાએ પગને લઈ જવા માટે કચરાની ગાડીનો ઉપયોગ કર્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં નગરપાલિકાની પીવાના પાણીની લાઈનમાં પાણી આવવાનું બંધ થઈ જતા સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવતા ઉપલી શેરી વિસ્તારમાંથી શંકાસ્પદ મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. જે અવશેષોને સિદ્ધપુર સિવિલમાં પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મંગળવારની આ ઘટના બાદ બુધવારે સિદ્ધપુરની લાલ ડોશીની શેરીમાં આવેલી પાઈપલાઈનમાંથી મૃતદેહના વધુ અવશેષો મળી આવ્યા હતા.
સિદ્ધપુરમાં રહેતી લવિના નામની એક યુવતી 7 મેંના રોજ ગુમ થઈ હતી. તેનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પાણીની ટાંકી તરફ જતા રસ્તા પરના એક સીસીટીવી પોલીસને મળી આવ્યા છે જેમાં ગુમ થયેલી યુવતી નજરે પડે છે. પાણીની ટાંકીની તપાસ કરતા પોલીસને એક દુપટ્ટો પણ મળી આવ્યો હતો. જે ગુમ થયેલી યુવતીનો હોવાનું માનવામાં આવે છે.