- નકલી ડૉક્ટરના નામે ચાલતી વધુ એક હોસ્પિટલ સીલ
- બાવળા બાદ મોરૈયામાંથી ઝડપાઈ નકલી હોસ્પિટલ
- જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે કરી કાર્યવાહી
- મેહુલ ચાવડા નામની વ્યક્તિ કોઈ ડિગ્રી વિના જ ડૉક્ટર
ગુજરાતમાં નકલી સ્કૂલ, નકલી ટોલનાકું, નકલી IAS અધિકારી બાદ હવે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા નકલી ડોક્ટર ઝડપાવવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ જિલ્લામાંથી ૩ દિવસમાં બીજી વખત બોગસ ડોક્ટર સાથેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ છે. બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની બાવળા (Bavla) બાદ મોરૈયા (Moraiya) ખાતે પણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવીને દર્દીઓના જીવને જોખમમાં મૂકતો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બાવળા ખાતે આવેલી અનન્યા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં મેહુલ ચાવડા નામની વ્યક્તિ કોઈ ડિગ્રી વિના જ ડૉક્ટર હોવાનો સ્વાંગ રચીને દર્દીઓના જીવને જોખમમાં મૂકતો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. દરોડા દરમિયાન એવું પણ સામે આવ્યું કે દર્દીની ફાઇલમાં ડૉક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું નહોતું. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અનન્યા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું હતું. હવે આ જ મેહુલ ચાવડાની વધુ એક નકલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ મોરૈયા ખાતે હોવાની બાતમી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને મળી હતી.