અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે ૫૮ ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરતા જિલ્લા કલેક્ટર

વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ.

ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા. પાટણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૧૫ તથા બી.ડી.સાર્વજનિક વિદ્યાલય ખાતે ૪૩ મળી કુલ ૫૮ ઉમેદવારોને શિક્ષણ સહાયકો તરીકેના નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઈ-માધ્યમથી જોડાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, શાળાઓ બંધ છે પણ શિક્ષણ નહીં. કોવિડ મહામારી દરમ્યાન પણ વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી મુશ્કેલી ન અનુભવાય તે માટે રાજ્ય સરકારે સતત પ્રયત્નો કર્યા છે. આ વર્ષે ફેસલેસ અને પેપરલેસ પ્રક્રિયા દ્વારા પારદર્શક ભરતી થકી કારકિર્દી બનાવનાર શિક્ષણ સહાયકોનું લક્ષ્ય ભારત આત્મનિર્ભર બને, વિશ્વગુરૂ બને, આપણી વિરાસત ઉજાગર થાય તે દિશામાં પ્રયત્નો કરી વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર દ્વારા નવીન પડકારો ઝીલી શકે તેવા સક્ષમ બનાવવાના છે.

શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીમાં શિક્ષકોએ ઑનલાઈન શિક્ષણના પડકારોની વચ્ચે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના જ્ઞાનની સાથે સાથે મૂલ્યો પણ શિખવવાના છે. બાળકો માટે મહેનત અને ધગશથી કામ કરી સુચારૂ શિક્ષણ આપવા શિક્ષકોએ કાર્યરત થવાનું છે.

રાજ્ય સરકારનો આભાર માનતા શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા આશિષ પ્રજાપતિએ જણાવ્યું કે, કોરોનાની આ સ્થિતિમાં ભરતી આવશે કે કેમ અને આવશે તો કઈ રીતે ભરતી કરવામાં આવશે એવી ગડમથલ સતત મનમાં રહેતી. પરંતુ રાજ્ય સરકારના સુચારૂ વહિવટના પરિણામે ફોર્મ ભરવાથી લઈ નિમણૂક સુધી ઑનલાઈન પ્રક્રિયા કરવામાં આવી. આ કપરાકાળમાં પણ શિક્ષણ અને શિક્ષકોની ભરતીની ચિંતા કરી પારદર્શક ભરતી પ્રક્રિયાના અંતે નિમણૂક આપવા માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું.

ઈ-માધ્યમ થકી ગાંધીનગર ખાતેથી જોડાયેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણની ગુણવત્તા વધારવા શિક્ષણ સહાયકોની ભાગીદારી માટે અપીલ કરી નિમણૂક પામનાર તમામ ઉમેદવારોને વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે તથા શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.

ધો.૧૦માં માસ પ્રમોશનના કારણે ધો.૧૧માં આવનાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શિક્ષકોની ઘટ ન પડે તે માટે રાજ્યભરમાં ૨,૯૩૮ જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષણ સહાયકોએ બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટેની કાર્યદક્ષતા અને ફરજપરસ્તીના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરી, શિક્ષણ નિરિક્ષક જયરામભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીઓ તથા શિક્ષણ સહાયક માટે પસંદગી પામેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024