દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં સગા માતા-પિતાએ દીકરી ભાગી ન જાય એટલે તેને સાંકળથી બાંધી રાખી હતી. સગાઈ કરેલી દીકરી ભાગી જતા પિતાએ આ પ્રકારનું પગલું ભર્યું હતુ. જોકે કોઈ વ્યક્તિએ 181 અભયમ હેલ્પલાઈનને ફોન કરીને જાણ કરતા અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને માતા-પિતાને સમજાવીને દીકરીને મુક્ત કરાવી હતી.
વિગતો મુજબ, બનાસકાંઠાના ધાનેરામાં 181 અભયમની ટીમને અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો કે એક દીકરીને તેના માતા-પિતા સાંકળથી બાંધીને રાખે છે. આથી અભયમની ટીમ ત્યાં પહોંચી અને જોયું તો યુવતી સાંકળથી બાંધેલી હાલતમાં હતી. આથી ટીમે પહેલા તેને છોડાવી અને બાદમાં તેના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરતા તેમને સમજાવ્યા હતા.
પોતાની સાથે આ પ્રકારનું વર્તન થવા પર યુવતીએ અભયમને ટીમને જણાવ્યું કે, અંધશ્રદ્ધાના લીધે અને મારી સગાઈ જ્યાં થઈ છે ત્યાં પૈસાની લેવડ દેવડના કારણ મારા માતા-પિતાએ મને સાંકળથી બાંધીને રાખી છે. જ્યારે યુવતીના પિતાએ કહ્યું કે, મારી દીકરીની સગાઈ થઈ ગઈ છે, પરંતુ તે કોઈ કારણથી બે-ત્રણ વખત ઘરેથી ભાગી ગઈ. અમે તેને ગૌચર વિસ્તારમાંથી શોધીને લાવ્યા છીએ અને ફરીથી ભાગી ન જાય એટલે તેને સાંકળથી બાંધીને રાખી છે.
યુવતીને આ રીતે સાંકળથી બાંધીને રાખતા તેને ફોલ્લા થયા હતા. જોકે માતા-પિતાએ તેને ડોક્ટરની પાસે લઈ જવાને બદલે ભુવા પાસે લઈને પહોંચ્યા હતા. જોકે બંનેની વાત સાંભળીને અભયમની ટીમે યુવતી અને માતા-પિતા બંનેને સમજાવ્યા હતા અને દીકરીને મુક્ત કરાવી હતી.