સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ.

પોસ્ટ કેવી લાગી?

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું Sardar (Vallabhbhai Patel Sports Enclave) ભૂમિપૂજન અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરતાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું “નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ” (Narendra Modi Cricket Stadium) તરીકે નામાધિમાન

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

  • 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું આગવું અને અનોખું સ્ટેડિયમ બની રહેશે
  • રમત-ગમત ખેલાડીઓમાં નિ:સ્વાર્થ ભાવ સાથે ચારિત્ર્ય નિર્માણના ગુણો પણ કેળવે છે
  • દેશમાં રમત-ગમતના માળખાકીય વિકાસ દ્વારા દૂરદરાજ અને આંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પણ પ્લેટફોર્મ મળ્યું છે
  • આ ક્રિકેટ સ્ટેડિયમથી પ્રેક્ષકોને મનોરંજન અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સુવિધાઓ મળશે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

  • 233 એકરમાં ઓલમ્પિક, એશીયાડ અને કોમનવેલ્થ ગેમ્સ રમાડી શકાય તેવી તમામ ખેલ સુવિધાઓ અમદાવાદમાં સાકાર થશે
  • ક્રિકેટના નાણાનો ઉપયોગ અન્ય રમતોનો પણ વિકાસ થાય તેવુ દ્રષ્ટિવંત આયોજન કરી
  • ગુજરાતમાં ખેલ સુવિધાની વૃધ્ધિ કરી છે
  • હેરિટેજ સીટી એવું અમદાવાદ હવે સ્પોર્ટસ સીટી તરીકે પણ ખ્યાતિ મેળવશે

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યુ હતુ.

તેમણે આ પ્રસંગે કહ્યું કે, આ ક્રિકેટ સ્ટેડિયમનું “નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ” નામાધિમાન કરવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમની પરિકલ્પના શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ કરી હતી અને ગુજરાત ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ બનીને તેને સાકાર કરવા માટે બળ પૂરૂ પાડ્યું હતું.

રાષ્ટ્રપતિશ્રીએ તેમના પ્રવચનની શરૂઆત “કેમ છો, મને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદ્ધાટન કરીને આનંદ થયો છે ” તેવા ગુજરાતી શબ્દો સાથે કરીને ઉપસ્થિતો નાગરિકોનું તાળીઓથી અભિવાદન મેળવ્યું હતું.

તેમણે કહ્યું કે, ચાર દસક પહેલા આ ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ધાટન કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંહ આવ્યા હતા. આજે પુન:નિર્માણ પામેલ અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમનો ઉદ્ધાટન કરવાનો અવસર મને સાંપડ્યો છે જે માટે હું પોતાને ભાગ્યશાળી સમજૂ છું.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી 90 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મેલબોર્ન સ્ટેડિયમ વિશ્વ સ્તરે પ્રખ્યાત હતુ , પરંતુ હવે 1. 32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ બનવાથી આ ખ્યાતિ હવે અમદાવાદને મળશે.

રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે , ભારત ક્રિકેટની જેમ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યુ છે. મોટેરામાં નિર્મિત થયેલ અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ ભારતની આશા-અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. આ ક્રિકેટ સ્ટેડિયમથી પ્રેક્ષકોને રમત-ગમતનો અદભૂત આનંદ મળશે અને ખેલાડીઓનો આધુનિક સ્પોર્ટસની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

ગુજરાત ક્રિકેટ એસોશિએશનના સહકારથી આ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયુ છે.જી.સી.એ.ના સહયોગથી જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ જેવા ક્રિકેટરોની ભેટ મળી છે. આજે ઇંગ્લેડ સામે શરૂ થનાર ટેસ્ટ મેચ માટેની પણ તેમણે અગ્રિમ શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું કે, આ સંકુલ માત્ર ક્રિકેટ પુરતું સિમીત ન રહેતા અન્ય સ્પોર્ટસ માટેની પણ સુવિધાઓ હોવાથી મલ્ટી સ્પોર્ટસ એન્કલેવ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓની યજમાની કરવા માટે સુસજ્જ બનશે.

આ ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય માપદંડો મૂજબનું એનર્જી એફીસીયન્ટ બનાવવામાં આવ્યું છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ગુજરાત રાજ્યમાં ખેલે ગુજરાતની શરૂઆત કરાવી હતી. તેમજ અત્યારે રાષ્ટ્રમાં ખેલની સંસ્કૃતિ જન્મે તે માટે ખેલો ઇન્ડિયા અને ફીટ ઇન્ડિયા અભિયાન દ્વારા ખેલ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યા છે.

ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ સ્કીમ દ્વારા દેશના નાના કસબામાં રહેતા તેમજ દૂર-સૂદૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પણ ઓલમ્પિક માટેની સુવિધાઓ મળે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જે અન્વયે ખેલ પ્રતિભાને ઓળખી , તાલીમ આપી ઓલમ્પિક સુધી પહોંચે તે માટેની સગવડ ઉભી કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિશ્રીએ સ્પોર્ટસ ફેસીલીટી અને એકસેસ ટુ સ્પોર્ટસ ફેસીલીટીના મહત્વ વિશે સમજાવતા દિલ્હીના એક ઢાબામાં રહેતા સુવિધાઓ વિહોણા અને આર્થિક સગવડોથી વંચિત યુવા સાયકલીસ્ટને રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવેલ સાયકલની સહાય અને તેની તાલીમની સગવડ આપવાથી આ યુવાન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા માટેની રમત માટે લાયક ઠર્યો હતો તેણે ઉત્કૃષ્ઠ પ્રદર્શન દ્વારા સાયકલીંગમાં આગવી નામના મેળવી હતી તેનો પ્રસંગ વર્ણવ્યો હતો.

રાષ્ટ્રપતિશ્રીએ રમત-ગમત થી નિ:સ્વાર્થ ભાવના યોગદાનની ભાવના જન્મે છે શારિરીક સાથે માનસિક ચારિત્ર્ય નિર્માણ થાય છે. આવા ગુણોનો વિકાસ જ રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગી બની રહે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી કહેતા કે જ્યાં સુધી રમત-ગમત ક્ષેત્રે યુવાનો આગળ નહીં વધે ત્યાં સુધી દેશ આગળ વધી શકશે નહી. આ પરિકલ્પનાને સાકાર કરવા જ વડાપ્રધાનશ્રીએ ખેલો ઇન્ડિયા અને ફીટ ઇન્ડિયા અભિયાન હાથ ધર્યા છે. રમત-ગમત ક્ષેત્રે બજેટની જોગવાઇ વધારીને છેક તાલુકા અને ગામડા સુધી સુવિધાઓ વિસ્તારીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રમત-ગમતને પ્રાધાન્ય આપ્યુ છે.

આનાથી વૈશ્વિક સ્તરે રમતવીરોમાં ગુજરાતનો ખેલાડી અગ્રિમ હરોળમાં સ્થાન પામે તે દિવસ હવે દૂર નથી. એટલું જ નહીં ખેલ જગતમાં દેશના યુવાનો તેમના સ્વપ્ન સાકાર કરી ભારતનું નામ રોશન કરે તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યુ હતુ.

તેઓએ કહ્યું કે, આજે ભારતમાં ખેલ-જગત માટે સ્વર્ણિમ દિવસ છે.લોખંડી પુરૂષ સરદાર પટેલના નામ સાથે જોડીને આજે સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન થયુ છે જેમાં તમામ રમતોની વિશ્વ સ્તરીય સુવિધાઓ ઉપરાંત તાલીમની વ્યવસ્થા હશે. એક સાથે ત્રણ હજાર યુવા-રમતવીરો તેમાં તાલીમ મેળવી શકશે.

તેઓએ વધુમાં ઉમેર્યુ કે, સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ 233 એકરમાં બનતા આ એન્કલેવ દેશનું સૌથી મોટુ એન્કલેવ બનશે. સાથે-સાથે નારણપુરા વિસ્તારમાં 18 એકરમાં સ્પોર્ટસ સંકુલ પણ આકાર પામી રહ્યુ છે.આ સુવિધાઓ સાથે અમદાવાદ શહેર દેશ અને વિશ્વ આખાય માટે રમત-ગમત ક્ષેત્રે આગવી પ્રતિભા ઉપસાવવાનારુ શહેર બનશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા કહેતા કે ગુજરાતને રમત-ગમત અને સેનામાં આગળ વધવુ જોઇએ શ્રી નરેન્દ્ર મોદીની આ ઇચ્છા આજે પૂર્ણરૂપે સંપન્ન થઇ છે. હવે ગુજરાતી યુવાઓ સેનામાં ભરતી થઇ રહ્યા છે અને સાથે-સાથે રમત-ગમત ક્ષેત્રે પણ આગવી પ્રતિભાથી દેશનું નામ રોશન કરી રહ્યા છે.

વિશ્વના સૌથી મોટા સ્પોર્ટસ સ્ટેડિયમનું “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” તરીકે નામાભિધાન કરતા સ્ટેડિયમની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને વિશેષતાઓ વિશે ગૃહમંત્રીશ્રીએ લોકોને માહિતગાર કર્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં અનેક પ્રકારની વ્યવસ્થાઓ હશે. સ્ટેડિયમ અને એન્કલેવ સાથે આસપાસની 65 શાળાઓને જોડવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ સપ્તાહમાં એક દિવસ અહીં આવશે અને રમશે. આ માટે 34 બસોની વ્યવસ્થા કરાશે જેથી શાળાના વિધાર્થીઓ રમત-વીરો તેમાં રમત-ગમત માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મેળવી શકશે એમ તેમણે ઉમેર્યુ હતુ.

આ ગ્રાઉન્ડ પર દેશના વિખ્યાત ક્રિકેટર શ્રીનાથ, કપિલદેવ, સુનીલ ગાવસ્કર, સચીન તેન્ડુલકર, ચેતેશ્વર પુજારા જેવા ક્રિકેટરોની સિધ્ધીઓ જોડાયેલી છે.

સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.દેશના રમતવીરો – વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે પોતાની રમત પ્રતિભા ઝળકાવી શકે તે માટે એક મહત્વનું પ્લેટફોર્મ બનશે. સરદાર પટેલનું દેશની અખંડિતતા માટેનું યોગદાન આખુ વિશ્વ જાણે છે. કોંગ્રેસે સરદાર પટેલની પ્રતિભા ભૂંસવા અનેક પ્રયાસો કર્યા પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને આખાય વિશ્વમાં તેમની પ્રતિભાની આગવી ઓળખ પણ પ્રસ્થાપિત કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી આ સંકુલના નિર્માણથી હેરીટેજ સીટી અમદાવાદ હવે ભારતનું સ્પોર્ટસ સીટી બનવા જઇ રહ્યું છે તેમ તેઓએ ઉમેર્યુ હતુ.

કુલ રૂ. 4600 કરોડના ખર્ચે બનનાર આ સ્પોર્ટસ એન્કલેવનું પી.પી.પી. મોડલથી નિર્માણ કરવામાં આવશે. ફુટબોલ, એથ્લેટિક, ઇન્ડોર સ્ટેડિયમ તેમજ હોકી સ્ટેડિયમ, તેમ અનેક રમતોને આવરી લેતા કુલ 20 સ્ટેડિયમ આ સંકુલમાં આકાર પામશે. રમત-ગમત ક્ષેત્રે નામના મેળવનાર શ્રેષ્ઠ યોગદાન આપનાર નામાંકિત ખેલાડીયોનું નામ આ વિવિધ સ્ટેડિયમ સાથે જોડવામાં આવશે એમ તેમણે ઉમેર્યુ હતુ.

કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી શ્રી કિરણ રિજીજુએ કહ્યું કે ,આજનો દિવસ ફક્ત ખેલ જગત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક છે. આપણે પહેલા સ્વપ્ન જોતા હતાં કે, વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ ભારતમાં ક્યારે નિર્માણ પામશે ? પરંતુ આજે હું અમદાવાદની ભૂમિ પરથી કહી શકુ છું કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ખરા અર્થમા સાકાર થઇ ચૂક્યુ છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દરેક ક્ષેત્રમાં ભારતને આગળ વધારવા માટે જે પ્રતિબધ્ધતાથી કાર્ય કરી રહ્યા છે તેમાં રમત-ગમત ક્ષેત્રે આ ક્રિકેટ સ્ટેડીયમ આદર્શ પૂરવાર થયુ છે. આ સ્ટેડિયમ વિશ્વના મોડલ સ્ટેડિયમ તરીકે ટૂંકા ગાળામાં નિર્માણ પામ્યુ છે તે સ્વયં એક રેકોર્ડ સમાન છે.

વડાપ્રધાન શ્રી ખેલો ઇન્ડિયા અને ફીટ ઇન્ડિયા જેવી ખેલ ચળવળ દ્વારા યુવાનોને માનસિક અને શારિરીક રીતે સુસજ્જ કરવા કાર્ય કરી રહ્યા છે. દેશની 2 લાખ 20 હજાર સ્કુલોએ ફીટ ઇન્ડિયા ચળવળમાં નોંધણી કરાવી છે. ફીટ ઇન્ડિયા ચળવળમાં ગામડાથી શહેર સુધીના નાગરીકો સહભાગી થયા છે.

અમદાવાદ શહેર દેશના સ્પોર્ટસ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, આજે ગુજરાતમાં રમત-ગમતની અત્યાધુનિક સુવિધાઓ ઉભી થવાના કારણે યુનિવર્સિટી સ્તરની વિવિધ રમતોમાં ગુજરાત રાજ્ય દેશના ટોપ 5માં સ્થાન મેળવી ચૂક્યું છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે ,ગુજરાત માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સ્વયં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના શુભારંભ અને સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે.
તેમણે કહ્યું કે,ગુજરાતીઓ અગાઉ તેમની વ્યાપાર કુનેહ માટે જ જાણીતા હતા તેવા ગુજરાતમાં આ સ્ટેડિયમની શરૂઆતથી રમત-ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટેનું ક્ષેત્ર આકારીત થઇ ચૂક્યુ છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જે કંઇ પણ કાર્ય કરે છે તે અપ્રતિમ અને સૌથી મોટુ કરે છે. તેઓની પ્રેરણાથી આ અગાઉ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્મિત કરીને વિશ્વ સમક્ષ તેના દર્શન કરાવ્યા છે. હવે વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનાવીને સ્પોર્ટસ ક્ષેત્રે પણ આગવો ચીલો ચાતર્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, આ મોટેરા સ્ટેડિયમ અને અન્ય રમતો માટેના મેદાન રીવરફ્રંટ ફેઝ-2 અંતર્ગત 215 એકર જમીન વિસ્તારમાં નિર્માણ પામશે.

આ બંને વ્યવસ્થાનો ઉપયોગ કરીને ગુજરાતના યુવાનો રમત-ગમત ક્ષેત્રે દેશનું નામ વિશ્વમાં રોશન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી એ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની આ કિક્રેટ સ્ટેડિયમ નામાધિમાન માટે તેમજ અમદાવાદને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ સહિતની મંજૂરી આપવા બદલ ગુજરાતની જનતા વતી ઉપસ્થિત જનતાને સ્ટેન્ડિંગ ઓવેશન આપી આભાર પ્રગટ કર્યો હતો.

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે ભારતનું નામ વિશ્વના રમત-ગમત ઇતિહાસમાં સૂવર્ણ અક્ષરે રેખાંકિત થાય તે સ્વપ્નને સિધ્ધ કરવાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં આકાર પામ્યુ છે.

આ પ્રસંગે ભારત દેશે મેળવેલ રમત-ગમત સિધ્ધીઓની તથા સ્પોર્ટ્સ એન્કલેવ અને ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ દર્શાવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

આજના પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, સાંસદ શ્રી પરિમલભાઇ નથવાણી, બી.સી.સી.આઇ.ના સચિવ શ્રી જય શાહ,જી.સી.એ. ના ઉપપ્રમુખ શ્રી ધનરાજભાઇ નથવાણી , રાષ્ટ્રપતિશ્રીના ધર્મપત્ની શ્રી સવિતા કોવિંદ અને ખેલ જગતના નામાંકિત ખેલાડીઓ,પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ અમદાવાદના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures