Chief Minister
મુખ્યમંત્રી (Chief Minister) શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી બેંકોને ધિરાણ આપવા માટેની ૬ ટકા સબસીડી મળી છે. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ થકી રાજ્યની સહકારી બેંકો પોતાના વિસ્તારમાં આવા મહિલા સભ્યોની સંખ્યા વધારી શકશે, નાના માણસોની મદદ કરી શકશે અને મહિલા જુથોને 0 % વ્યાજે લોન મળતી થશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની સમજ અને અમલીકરણ માટેની ગાંધીનગર ખાતે આયોજીત બેઠકમાં સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા હાકલ કરી હતી.
તેમણે કહ્યું કે, સહકારિતાની સંકલ્પનાનો મુળમંત્ર નાના માણસોની મદદ છે. આ યોજનાની સફળતાથી આપણે ગ્રામીણ-શહેરી આર્થિક નબળા વર્ગમાં માઇક્રોફાઇનાન્સનું એક આદર્શ મોડલ ઊભું કરી બતાવીશું. મુખ્યમંત્રીશ્રીએ માઇક્રોફાઇનાન્સથી ગ્રામીણ અર્થતંત્રને ધબકતુ રાખી ખુશહાલી લાવવાની નેમ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ગુજરાત યોજના બની ત્યારે સ્પષ્ટ હતું કે આ કામ રાજ્યની સહકારી બેંકો જ કરી શકશે. સહકારી બેંકો ગ્રાહક સાથે આત્મીય સંબંધ ધરાવે છે. સહકારી બેંકોમાં સહકારિતાનો ભાવ, નાના માણસોને મદદ કરવાની લાગણી, નાના માણસોની વેદના-વ્યથા અને તકલીફ સમજી શકવાની ક્ષમતા સવિશેષ જોવા મળે છે.
આ પણ જુઓ : સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ મંજૂર થયા
તેમણે વધુમાં કહ્યું કે, કોરોના જેવી મહામારી સદીમાં એક વાર આવતી હોય છે તેવા સમયે સહકારી બેંકોએ તેમનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવી જાણ્યું છે. નાના માણસો, છૂટક વેપાર, મજૂરી કરતા, રોજનું કમાઈને રોજ ખાતા લોકોને સહકારી બેંકોએ ૦૧ થી ૨.૫ લાખની લોન આપી લોકડાઉનમાં જે આર્થિક ખાંચો પડયો હતો તેને પૂરી આપ્યો છે. સહકારી બેંકોએ રાજ્યના અઢી લાખ લોકોને કુલ ૨૫૦૦ કરોડનું ધિરાણ આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ માં રાજ્યની ૧૦ લાખ બહેનોને ૧ લાખ જુથ રચી ૧૦૦૦ કરોડનું ધિરાણ આપવાનૂં લક્ષ્ય છે. યોજનામાં નક્કી કર્યું કે જૂથની રચના થાય-નોંધાય એ સાથે જ ખાતામાં પૈસા જમા થાય. જેમ એમ.એસ.એમ.ઇ. માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશન. તે રીતે મહિલા જૂથોને આર્થિક સહાય માટે પણ આપણે પ્રોએક્ટિવ અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાત રાજ્યને વિકાસનું પર્યાય બનાવ્યું છે. ખેડૂતોની આવક બમણી થાય તેવી જ રીતે નાના માણસને આવકમાં વધારો થાય, રાજયમાં માથાદીઠ આવક વધે તે આપણું લક્ષ્ય છે. આત્મનિર્ભર ગુજરાતની મુહીમ થકી આપણે આર્થિક અસમાનતા દૂર કરી શકીશું. કોઈ એક વર્ગ બે પાંદડે થશે તો આખા સમાજને ફાયદો થશે, તેવો મત તેમણે દર્શાવ્યો હતો.
કોરોનાના કપરાકાળમાં ઘણી બેંકોએ ૧૦૦ કરોડનું ધિરાણ આપી ટાર્ગેટ અચીવ કર્યો છે. યોજનાની સફળતા હવે સહકારી બેંકોના હાથમાં છે. સહકારી બેંકો પોતાના વિસ્તારમાં ધિરાણ આપવાનો ટાર્ગેટ નિયત કરે. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ નાગરિક સહકારી બેંકનો ઉલ્લેખ કરી માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે ઉદાહરણરૂપ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ જુઓ : UK થી ભારત આવેલા મુસાફરો માટે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી
આ બેઠકમાં ગ્રામ વિકાસ કમિશનર શ્રી વિજય નેહરાએ સહકારી બેન્કોના ચેરમેનશ્રીઓ સમક્ષ ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ વિશે પ્રેઝંટેશન આપ્યુ હતું. તેમણે સેલ્ફ હેલ્પ ગ્રુપ (S.H.G.) અને જોઇંટ લાયેબિલિટી ગ્રુપ (J.L.G.)ને મર્જ કરી બનાવેલા નવા જોઇંટ લાયેબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ(J.L.E.S.G.) નો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો.
આ બેઠકમાં અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત વિભાગના મંત્રી શ્રી જયેશ રાદડીયા, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ પશુપાલન, ગૌસંવર્ધન રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, મહિલા અને બાળ કલ્યાણ રાજયકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સહકાર સચિવ શ્રી નલિન ઉપાધ્યાય, રજિસ્ટ્રાર કો-ઓપરેટીવ્ઝ શ્રી દેવાંગ દેસાઇ તેમજ ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંક ના અધ્યક્ષ અજય ભાઈ પટેલ સહકારીબેંકીંગ ક્ષેત્રના અગ્રણી શ્રી જ્યોતિન્દ્ર મામા, કલ્પકભાઇ મણિયાર અને વિવિધ સહકારી બેન્કોના ચેરમેનશ્રીઓ પણ સહભાગી થયા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.