Collector Swapnil Khare
મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે (Collector Swapnil Khare) એ કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયતવાળા બાળકોને આશ્રય આપવા જિલ્લામાં કાર્યરત બાળ સંભાળ ગૃહો પૈકી ચિલ્ડ્રન હૉમ ફૉર બોય્ઝની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક સુવિધાઓની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સરસ્વતી તાલુકાના જાળેશ્વર-પાલડી ખાતે આવેલા સરકારી ચિલ્ડ્રન હૉમ ફૉર બોય્ઝનું નિરિક્ષણ કરી મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ જરૂરી પ્રાથમિક સુવિધાઓની સમિક્ષા કરી. શ્રી ખરેએ ચિલ્ડ્રન હૉમમાં રહેતા બાળકો રમતગમતની પ્રવૃતિઓ કરી શકે તે માટે પ્લેગ્રાઉન્ડ માટેની દરખાસ્ત રજૂ કરવા સુચના આપી હતી. સાથે જ સંકુલની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પણ મદદનીશ કલેક્ટરશ્રીએ સુચન કર્યું હતું.
કોરોના વાયરસ મહામારી સમયે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઑનલાઈન ચાલી રહી છે ત્યારે ચિલ્ડ્રન હૉમમાં રહેતા તથા લૉકડાઉનના સમયમાં પોતાના ઘરે મોકલ્યા હોય તેવા બાળકો સમયસર યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે તેવી વ્યવસ્થાનું નિરિક્ષણ કરવા જણાવી શ્રી ખરેએ ચિલ્ડ્રન હૉમના સ્ટાફ તથા બાળકોને આગ જેવી આપાતકાલિન પરિસ્થિતિમાં સલામત રહી શકે તે માટે ફાયર સેફ્ટીની તાલીમ આપવા પણ સુચના આપી હતી.
આ પણ જુઓ : પાટણ ખાતે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો.ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમીટીની બેઠક યોજાઇ
ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૫૦ મુજબ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણ તથા કલરવ બાળ સંભાળ ગૃહ, સેદ્રાણા તા.સિદ્ધપુર ખાતે કાર્યરત છે. જેમાં કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયતવાળા બાળકોને આશ્રય આપી સમયાંતરે સમાજની મુખ્ય ધારામાં યોગ્ય પુનઃસ્થાપન કરવામાં આવે છે. ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવથી નવીન નિરીક્ષણ સમિતિ, બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) ૨૦૧૯નો નિયમ ૪૨ મુજબ તથા બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) બાબત અધિનિયમ, ૨૦૧૫ની કલમ ૫૪ અન્વયે સંસ્થાઓનું નિરીક્ષણ કરવાનું થાય છે. જેમાં પ્રત્યેક બાળકોનો યોગ્ય વિકાસ, આરોગ્ય, શિક્ષણ તેમજ સંસ્થાની ભૌતિક સુવિધાઓનું દર ત્રણ માસે નિરીક્ષણ કરવામાં આવે છે.
મદદનીશ કલેક્ટરશ્રીની આ મુલાકાત દરમ્યાન જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્યશ્રી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી(સભ્ય સચિવ), જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સામાજિક કાર્યકરશ્રી, માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતશ્રી, શિક્ષણ નિષ્ણાતશ્રી જોડાયા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.