- ગુજરાતના દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા
- કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા જેમાં રાહુલ ગાંધી પણ જોડાશે
- મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે
- રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન
કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ, ઉના દલિતકાંડ, મોરબી પુલ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાશે.
તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. ત્યારબાદ વાયા વડોદરા થઇને ન્યાયયાત્રા સુરત પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં ભોગ બનેલા પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં વશે.