દરેક તાલુકામાં ઉચ્ચ અધિકારીશ્રીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ, રાધનપુર, સમી અને પાટણ ખાતે એન.ડી.આર.એફ.ની ત્રણ ટીમો તૈનાત રહેશે
તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીની આગેવાની હેઠળ પાટણ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લામાં તૌકતે સાયકલોનને કારણે જાનમાલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, પાટણ જિલ્લામાં તૌકતે સાયક્લોનની સંભવિત અસરને ધ્યાને લઈ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સુચના આપી દેવામાં આવી છે. કોવિડની સારવાર આપી રહેલી ખાનગી અને સરકારી હોસ્પિટલ્સને પાવર બેક-અપની વ્યવસ્થા કરવા તથા વીજ પુરવઠો ન ખોરવાય તે માટે યુ.જી.વી.સી.એલ.ને પણ સુચના આપવામાં આવી છે.
વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, અગરીયાઓ સહિત સાયક્લોનની જેને સંભવિત અસર થવાની છે તેવા વિસ્તારના લોકો માટે આશ્રયસ્થાનની પણ તૈયારી કરી દેવામાં આવી છે.
મંગળવાર સવારથી બુધવારની સાંજ સુધી પાટણ જિલ્લામાં તૌકતે સાયક્લોનની અસર થવાની સંભાવના છે. જેમાં ભારે પવન અને વરસાદની પણ શક્યતાને ધ્યાને લઈ જિલ્લાના રાધનપુર, સમી તથા પાટણ તાલુકાઓ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ પણ તૈનાત રહેશે. જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.