જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વાવાઝોડા દરમ્યાન નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવા અપીલ
ભારતીય હવામાન ખાતા દ્વારા તૌકતે વાવાઝોડા સંદર્ભે બહાર પાડવામાં આવી રહેલા બુલેટીન મુજબ તૌકતે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું હોઈ પાટણ જિલ્લામાં તેનાથી નુકશાન થવાની સંભાવનાના પગલે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જિલ્લાના નાગરિકોને વાવાઝોડા દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, અત્યારની પરિસ્થિતિ જોતાં વાવાઝોડું તૌકતે સાંજે ૦૮ વાગે પાટણ જિલ્લામાંથી પસાર થવાની સંભાવના રહેલી છે. ચાણસ્મા, પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાઓમાં તેની અસર વધુ રહેશે. જિલ્લામાં તે દરમ્યાન ૭૦ થી ૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને અપીલ છે કે આ સમય દરમ્યાન લોકો પોતાના ઘરમાં જ રહે. કાચા મકાનમાં રહેતા લોકો સલામત જગ્યાએ સ્થળાંતર કરે. વિજળીના થાંભલા અને જર્જરિત ઈમારતની આસપાસ ન રહેવા પણ અપીલ છે.