હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન તૌકતે વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમા વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે. હાલમા ખેતરમા ઉભા પાક જેવા કે ઉનાળુ બાજરી, જુવાર, ઘાસચારો, શાકભાજી વગેરે પાકોમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમા જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.

ભારે વાવાઝોડા તથા વરસાદ થવાની ચેતવણીને ધ્યાને લઈ ખેડૂતોએ હાલ ઉનાળુ બાજરીના પાકમા પિયત ટાળવુ તથા કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. જુવાર, ઘાસચારો, શાકભાજી વગેરે ઊભા પાકોમા પિયત ટાળવુ. ખેતરમા ઉભા પાકમાં પાણીના નિતારની વ્યવસ્થા આગોતરી કરવી. ખાસ કરીને બીટી કપાસનું નવુ વાવેતર હમણા ટાળવુ.

શાકભાજી વગેરેના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ના રહે તે માટે આગોતરી કાળજી લેવી. ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું. હાલમા કોઇ પાકમા જંતુનાશક દવાનો છંટકાવ નહી કરવા ભલામણ કરવામાં આવે . જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ હાથવગી રાખવી. ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજારમા વરસાદ પહેલા જ પહોંચાડવા. બાગાયતી ફળ પાકોમાં વાવાઝોડા સામે રક્ષણ માટે ટેકા મુકવા તથા મોટા ઝાડ હોય અને જોખમી હોય તો તેનુ કટિંગ કરવુ. રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ બિયારણ પલડે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવુ.

એપીએમસીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાકીને રાખવા. એપીએમસીમા કે અન્ય જગ્યાએ વેચાણ અર્થે અથવા સંગ્રહ માટે લઇ જવાતી ખેતપેદાશો તાડપત્રી ઢાંકી ને જ લઇ જવી. વાવાઝોડા, ભારે પવન તથા વરસાદના સંજોગોમાં પશુઓને યોગ્ય સુરક્ષિત જગ્યાએ રાખવા. પશુઓના શેડ ઉપરના પતરા વગેરે ઉડી ના જાય તે મુજબ ફિટિંગ કરવા અને ઉપર વજન મુકવુ તથા આવા શેડ ઉપર જોખમી ચીજવસ્તુઓ હોય તો ઉતારી લેવી. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય.

વધુ વરસાદની પરિસ્થિતિમાં ઘાસચારાનો યોગ્ય સંગ્રહ કરવો તેમજ જાણવણી માટે તાડપત્રીનો ઉપયોગ કરવો તથા પશુઓના નિભાવ માટે વૈકલ્પિક આહાર યોજના, પશુઓને પીવાના પાણી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી. પાટણ જિલ્લા ખેડૂતોને તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો નિવારવા માટે આ મુજબની તકેદારી રાખવા પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024