Dasada zainabad Accident : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

મળતી માહિતી મુજબ મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વિફ્ટ ગાડી લઈને દેત્રોજ લોકાચારે જઈ રહ્યા હતા, ત્યારે પાટડી તાલુકાના જૈનાબાદ અને દસાડા વચ્ચે વણાંક પાસે માતેલા સાંઢની માફક આવતી રાજસ્થાન પાસિંગની ટ્રકે સ્વિફ્ટ કારને ધડાકાભેર ટક્કર મારી હતી. ટ્રકે સ્વિફ્ટ કારને મારેલી ટક્કર એટલી ભયંકર હતી કે કારનું પડીકું વળી ગયું હતું અને નજીકના ખેતરમાં જઇને ખાબકી હતી. જેમાં સવાર ચાર લોકો કારમાં જ દબાઇ જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. જાણ થતાં જ દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયાએ જણાવ્યું કે, આ ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે.

પોલીસ અનુસાર, દસાડા જૈનાબાદ વચ્ચે કાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, તેમાંથી બે લોકો ઈન્દ્રજિતસિંહ ઝાલા (ઉ. 22) અને મુક્તરાજ ઝાલા (ઉ. 34) મોરબી જિલ્લાના મોડપર ગામના રહેવાસી છે. જ્યારે સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ. 33) મોરબીના વીરપડા ગામના રહેવાસી, તો વિજય મુછડિયા (ઉ.25) મોરબીના ઈન્દિરાનગર-મહેન્દ્રનગરના રહેવાસી છે. તમામ મૃતકના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી છે. કાર કુલદીપસિંહ પરમાર નામે રજિસ્ટર છે, જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક રાજસ્થાન પાર્સિગની છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024