ડીસા તાલુકાના મુડેઠા ગામમાં જુની અદાવતના મામલે યુવાન સરપંચને એક શખસે ટ્રેકટર વડે ટક્કર મારીને મોતને ઘાટ ઉતારતા ઉશ્કેરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ગામમાં દોડી આવ્યો હતો અને ચાંપતો બદોબસ્ત ગોઠવી આરોપીને પકડવા ચક્રો ગતી માન કર્યાં હતા.
ડીસા તાલુકાના મુડેઠા ગામના સરપંચ રાઠોડ કાંતિજી તલાજી ઉ.વ. ૪૭ જેઓએ અગાઉ ડ્રાઇવરમાથી છુટો કરેલ રાઠોડ ઇશ્વરજી શાંતિજી રહે. મુડેઠા (દુદાણી પાર્ટી) વાળાએ જુની અદાવતમાં મનદુ:ખ રાખીને શનિવારના સાંજના સુમારે રતનપુરાના ક્રોસિંગ આગળ ચરખીવાળા ટ્રેક્ટરથી જાનથી મારી નાખવાના ઈરાદે કાર ગાડીને આગળના ભાગે ટક્કર મારી રાઠોડ કાંતિજી તલાજી પર ટ્રેકટર વડે કચડી નાખી મોત નિપજાવી નાસી છુટયો હતો.
આ અંગે સાહેદ દિનેશજી બાબુજી રાઠોડએ ભીલડી પોલીસ મથકે આરોપી વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.
મૃતક સરપંચ કાંતિજીના મૃતદેહનું ડીસા સીવિલ હોસ્પિટલમા પેનલ તબીબો દવારા પોસ્ટમોટમ કરાવી પરિવારને મૃતદેહ સોંપવામા આવ્યો હતો. જ્યારે સરપંચના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતાં આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.જયારે આરોપીની ધરપકડ કરી કોવિડનો રિપોર્ટ કરાવી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. જેની વધુ તપાસ ભીલડી ઇનચાર્જ પીએસઆઇ પી.એન.જાડેજા ચલાવી રહ્યા છે.