કોરોના વાયરસ(Corona Virus)ના કહેર વચ્ચે હવે ડેન્ગ્યુએ ચિંતા વધારવાનું શરૂ કર્યું છે. ડેન્ગ્યુના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, દિલ્હી અને અન્ય રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિષ્ણાતોની ટીમ ડેન્ગ્યુ (Dengue)ના કેસ પર નજર રાખવા માટે દિલ્હી સરકાર સાથે વિગતવાર આયોજન કરશે. શાળાઓમાં પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ડેન્ગ્યુ અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક 1 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.
આ પહેલા સોમવારે દિલ્હી(Delhi)ના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીમાં ડેન્ગ્યુના વધી રહેલા કેસ પર કહ્યું હતું કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને ચિંતાની કોઈ વાત નથી. સિસોદિયાએ કહ્યું કે ડેન્ગ્યુ નિયંત્રણમાં છે, જે પણ હોસ્પિટલમાંથી કેસ નોંધાઈ રહ્યા છે, અમે આંકલન કરી રહ્યા છીએ કે કેટલા લોકો દિલ્હીના છે અને કેટલા બહારના છે. હવે ચિંતા કરવાનું કંઈ નથી.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જાહેર થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે દિલ્હીમાં એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. મ્યુનિસિપલ રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં આ વર્ષે 1,000 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જેમાંથી છેલ્લા એક સપ્તાહમાં 280 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ સિઝનમાં દિલ્હીમાં નોંધાયેલા કુલ ડેન્ગ્યુના કેસોમાંથી આ મહિને 23 ઓક્ટોબર સુધી 665 કેસ નોંધાયા હતા. શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુના કારણે પ્રથમ મૃત્યુ 18 ઓક્ટોબરે થયું હતું.
મચ્છરજન્ય રોગો અંગેના મ્યુનિસિપલ રિપોર્ટ અનુસાર, 23મી ઓક્ટોબર સુધીમાં આ સિઝનમાં કુલ 1,006 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. આ ડેન્ગ્યુના કેસો 2018 પછી સમાન સમયગાળા માટે સૌથી વધુ છે. આ વર્ષે 16 ઓક્ટોબર સુધી 723 કેસ નોંધાયા હતા એટલે કે એક સપ્તાહમાં 283 નવા કેસ નોંધાયા હતા.