HNGU
કમલીવાડા, નેદરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી સિદ્ધપુર ખાતે જનાર કોવિડ વિજય રથને રજીસ્ટ્રારશ્રી ડૉ.ડી.એમ.પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. કલાકારો દ્વારા ભવાઈ, ડાયરો, નાટક, જાદુ જેવી પરંપરાગત કળાઓ દ્વારા ખૂબ જ સહજ અને હળવી શૈલીમાં કોરોના સામે સાવચેતી અંગે જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે.
કોવિડ-૧૯ અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુ સાથે રાજ્યભરમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના વાયરસ સામે સાવચેતી અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનના રથને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતેથી યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી ડૉ.ડી.એમ.પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતેથી શરૂ થયેલ આ રથ રૂની, કમલીવાડા, ડેર અને નેદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર ૦૪ કલાકારો ભવાઈ, ડાયરો, નાટક, જાદુ જેવી પરંપરાગત કળાઓ દ્વારા ખૂબ જ સહજ અને હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે.
કોરોના વિજય રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે.
કોરોના વાયરસ સામે લડવા સાવચેતી અને સલામતી જ સૌથી મોટો ઉપાય છે ત્યારે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં કોવિડ વિજય રથ થકી લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી તથા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે.
આવનાર દિવસોમાં આ રથ પાટણ શહેર બાદ તેના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઇ સિદ્ધપુર ખાતે પહોંચશે. ૦૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલ કુલ ૪૪ દિવસનું કોવિડ વિજય રથનું આ જન જાગૃતિ અભિયાન આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અવિરત આગળ વધશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.