રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહયો છે. કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટથી લોકો સંક્રમિત થઇ રહયા છે. ત્યારે પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંધ ગુલાટીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેકટર સુપ્રીતસિંધ ગુલાટીએ ઉપસ્થિત અધિકારીઓને જો પાટણ જિલ્લામાં કોરોનાના કેસ વધેતો એના નિયંત્રણ માટે પ્રારંભથી જ લેવાના થતા પગલાંઓની ચર્ચા કરી હતી. જેમાં તેઓએ અત્યારથી જ પરિસ્થિતીને અનુરૂપ કોઇપણ ઢીલાશ રાખ્યા વિના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કરવાની થતી કામગીરી જણાવી હતી. શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કેસ સામે આવેતો તરત જ ત્યાં આસપાસના વિસ્તારોમાં સઘન ડોર ટુ ડોર સરવે કરીને કોરોનાના લક્ષણો જણાતા હોય એમને પ્રારંભિક તબકકામાં જ દવાની કીટનું વિતરણ કરવું. જે વિસ્તારમાં પોઝીટીવીટી દર વધુ હોય ત્યાં સરવેલન્સ કરીને દર્દીઓને સારવાર આપવા માટે જણાવ્યું હતું.
શહેરી વિસ્તારોમાં દર બે વોર્ડ દીઠ એક વોર્ડ ઓફિસરની નિમણુંક કરીને ત્યાં ડોર ટુ ડોર સરવે કોરોના ટેસ્ટીંગ તથા જરૂરી દવાનું વિતરણની વ્યવસ્થા જોવી. તમામ પાંચેય નગરપાલિકાઓમાં ધન્વંતરી રથ મારફતે લોકોને સારવાર મળી રહે એ માટે આયોજન કરવું તથા ગ્રામ્ય વિસ્તારોમાં મેડીકલ ઓફિસર દ્વારા ઓ.પી.ડી કરીને પ્રારંભિક તબકકામાં સારવાર આપવામાં આવે એમ જણાવ્યું હતું. જે વિસ્તારમાં કેસ વધારે આવે ત્યાં કન્ટેન્ટમેન્ટ ઝોન કરીને લોકોની અવરજવર પ્રતિબંધિત કરવી.
કલેકટર સુપ્રીતસિંધ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ પાટણ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર સ્થાપિત ઓકિસજન પ્લાન્ટની સમીક્ષા કરી હતી. જો કોઇ વધુ ગંભીર દર્દીને ઓકિસજનની જરૂર પડે તો એ અંગે યોગ્ય વ્યવસ્થા માટે માર્ગદર્શન કર્યું હતું. તેઓએ અત્યારે ધારપુર મેડિકલ કોલેજ તેમજ સિવીલ હોસ્પીટલ પાટણ ખાતે બેડ, ઓકિસજન, દવાઓનો ઉપલબ્ધ જથ્થો આરટીપીસીઆર ટેસ્ટીંગ લેબ અંગે માહિતી મેળવી હતી.
જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વાયરસમાં દર્દીને તાવ, શરદી, શરીર દુખવું જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે અને અત્યાર સુધી ઓકિસજન ધટવાના કેસો હજુ મળયા નથી. તેમ છતાં દર્દીઓને ઓકિસજનની જરૂર પડેતો એ માટેની પૂરતી વ્યવસ્થા હોસ્પીટલમાં કરવામાં આવે એ માટે સૂચનો કર્યા હતા. સમગ્ર પાટણ જિલ્લામાં માસ્ક ડ્રાઇવ યોજીને નાગરિકોને જાહેર સ્થળો પર માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જાગૃત કરવા પોલીસ તથા નગરપાલિકાને સૂચન કર્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેકટર સચિનકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.એ.આર્ય, સિવિલ સર્જન ડૉ. અરવિંદ પરમાર, ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ.યોગેશાનંદ ગોસાઇ તથા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મનીષ રામાવત, નાયબ પોલીસ અધિક્ષક ચંદ્રસિંહ સોલંકી, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર એમ.કે.સૈયદ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.