76th Independence Day Dahod

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ગર્વભેર તિરંગાને લહેરાવીને સલામી આપી

સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું

રાજ્ય અને જિલ્લો સતત વિકાસના પથ ઉપર અગ્રેસર – કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી

દાહોદમાં ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. દાહોદ નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીની ઉપસ્થિતિમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ગર્વભેર તિરંગાને ફરકાવીને સલામી આપી હતી. આઝાદીના અમૃત મહોત્સવ વેળા એ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીએ વાતાવરણ દેશભક્તિથી છલોછલ બન્યું હતું.

આ પ્રસંગે આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્યવીરોને યાદ કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આન, બાન અને શાનને સમસ્ત વિશ્વમાં ઉજાગર કરીને વિકસીત હિન્દુસ્તાનની એક અલગ ઓળખ ઊભી કરી છે. તેમની દીર્ઘદ્રષ્ટિથી આજે ગ્રામજનો હોય કે શહેરીજનો, ગરીબો, આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો, મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે, તેમણે ચીંધેલા ગુજરાતના વિકાસના પથ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે.

રાજ્યે છેલ્લા બે દાયકામાં વિવિધ ક્ષેત્રે મેળવેલી સીમાચિહ્નરૂપ સિદ્ધિઓની કલેક્ટરએ વિગતે વાત કરતા જણાવ્યું કે, કોરોનાના કપરા સમયમાં દેશ અને રાજ્યે તેનો મક્કમ મુકાબલો કર્યો છે અને મેગા વેક્સિનેશન થકી કોરોનાને મ્હાત આપી છે. આવા સમયે એક પણ માણસ ભૂખ્યો ન સુવે તેની દરકાર કરી છે એમ જણાવી આરોગ્ય ક્ષેત્રે રાજ્યે કરેલા લોકસુવિધાના કાર્યો વિશે માહિતી આપી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતો અને પશુપાલકો વિવિધ યોજનાઓ થકી સમુદ્ધ બન્યાં છે અને આ ક્ષેત્રે રાજ્ય દ્વારા આધુનિક વલણના પ્રોત્સાહન થકી તેમના જીવનધોરણમાં મોટું પરિવર્તન આવ્યું છે. ગામડાઓમાં પણ શહેરી સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકારે કરેલી કામગીરીની વાત તેમણે આ અવસરે જણાવી હતી.

કલેક્ટરએ રાજ્યે ઔદ્યોગિક ક્ષેત્ર, જળવ્યવસ્થાપન, સિંચાઇ, સુઝલામ સુફલામ, ઉર્જા, પ્રવાસનથી લઇને શાંતિ-સુરક્ષા જેવી વિવિધ બાબતોમાં મેળવેલી નોંધપાત્ર સિદ્ધિઓ અને નવા ગુજરાતનો પરિચય લોકોને આપ્યો હતો. તેમણે દાહોદ જિલ્લામાં સરકારની કામગીરીથી આવી રહેલા સકારાત્મક પરિવર્તન વિશે પણ વાત કરી હતી અને નલ સે જલ જેવી મહત્વપૂર્ણ યોજનાઓ સત્વરે પૂર્ણ કરીને લોકોને સત્વરે તેનો લાભ આપવા વિશે જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે કલેકટરએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. તેમજ પોલીસ જવાનો સહિત ઉપસ્થિત સૌ કોઈએ તિરંગાને સલામી આપી હતી અને રાષ્ટ્રગાન સમયે ઉન્નત મસ્તકે તેમાં સહભાગી થયા હતા.

આ વેળાએ હર્ષ ધ્વનિ – વોલી ફાયર કરાયું હતું. તેમજ પરેડ નિરીક્ષણ માટે પરેડ કમાન્ડન્ટ જે.સી. જાદવ દ્વારા નિમંત્રણ અપાતા કલેકટરએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા પણ આ વેળા સાથે જોડાયા હતા. વિવિધ પ્લાટુનના જવાનો શિસ્તબદ્ધ ઉભા રહીને કર્તવ્યબદ્ધતાનો પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોલીસ જવાનો એ કરાટેના દિલધડક કરતબો જોઈને લોકો મંત્રમુગ્ધ બન્યા હતા અને તાળીઓના ગડગડાટથી જવાનોને વધાવી લીધા હતા. ગરબાડાના પાંડુરંગ વાણિજય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મનમોહક ડાન્સ દેશભક્તિના ગીતો ઉપર રજૂ કર્યો હતો. પોલીસ વિભાગની શી ટીમ દ્વારા નાટય કૃતિ સુંદર રીતે ભજવીને શી ટીમની કામગીરીનો લોકોને પરિચિત કરાવ્યો હતો. અભલોડની વિવેકાનંદ શાળાએ દેશભક્તિના ગીતો સાથે નૃત્ય રજૂ કર્યું ત્યારે વાતાવરણ દેશભક્તિથી સરોબાર બન્યું હતું.

આ પ્રસંગે જિલ્લાને ગૌરવ અપાવનારા રમતવીરો તેમજ શિક્ષકો, આરોગ્યકર્મીઓ સહિતના કર્મચારીઓનું ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપીને મહાનુભાવોએ સન્માન કર્યું હતું. મહાનુભાવોએ આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કર્યું હતું.
કાર્યક્રમનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડો. કમલેસ ગોસાઇએ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, એએસપી જગદીશ બાંગરવા, વિજયસિંહ ગુર્જર સહિતના અધિકારીઓ, તેમજ અગ્રણી સુધીરભાઇ લાલપુરવાલા, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024