પાટણ શહેર ની યશ ટાઉનશીપમાં બાળકનાં રમવાનાં મામલે બાળકને સમજાવતાં બોલાચાલી અને મારામારી થવા પામી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણની યશટાઉનશીપમાં રહેતા લીલાબા ઝાલા (ઉ.વ. 50) સોમવારે સાંજે પોતાની 4 વર્ષની પૌત્રી ને લઇને ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમનો એક વર્ષનો પૌત્ર પણ તેમની સાથે રમતો હતો.
ત્યારે તેમની નજીકમાં રહેતા વિપુલભાઇ ખખ્ખર નો દિકરો ધૈર્ય સ્કેટીંગ કરતો હોવાથી લીલાબાએ તેને થોડો ધીમેથી રમવા અને નાના છોકરાને વાગી જશે એમ કહેતાં ધૈર્યનાં પિતા વિપુલભાઈ એ ગાળો બોલી હતી ને ઉશ્કેરાઇને લીલાબાને લાફો મારી દીધો હતો. જેથી આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા.
આ ઘટના બાદ લીલાબાને સારવાર માટે ધારપુર ખાતે ખસેડાયા હતા. આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે સામાપક્ષે પણ પાટણની ધારપુર સિવીલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતાં અને યશ ટાઉનશીપમાં રહેતા વિપુલભાઇ ખખ્ખરે લીલાબા અને તેનાં પુત્ર નરેન્દ્રભાઇ સામે એવો આક્ષેપ કર્યો હતો કે, તેમનો પુત્ર ધૈર્ય રસ્તામાં રમતો હતો ત્યારે ઉપરોક્ત બંને જણાએ તેને ધક્કો મારી ધમકાવીને અહીં ન રમવા કહેલ.
ત્યારે વિપુલભાઇએ કહેલ કે, નાના છોકરા રમે તેમાં તમને શું વાંધો છે. તેમ કહેતાં બંને જણાએ તેમને ગાળો બોલીને નરેન્દ્રભાઇએ કહેલ કે, અહીં રસ્તામાં નહિં રમવા દેવાનો નહિં તો હાથપગ કાપી નાંખીશ. તેમ કહેતાં વિપુલભાઇએ કહેલ કે, નાના છોકરા તો રમે તેમાં તમે શું કરવા આમ કરો છો ? તેમ કહેતાં ઉશ્કેરાયેલા નરેન્દ્રભાઇએ વિપુલભાઇને છાતીમાં પાટુ તથા ગડદાપાટુનો માર માર્યો હતો. અને લોકોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. વિપુલભાઇને પણ ધારપુર સિવીલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.