હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સુવર્ણ ચંદ્રક એનાયત સમારોહ સંપન્ન. રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૪૯ વિદ્યાર્થીઓને ૬૫ સુર્વણ ચંદ્રક એનાયત.

:: રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી ::

  • વિશ્વ વિદ્યાલયો અને વિદ્યાર્થીઓની ભાવના થકી શિક્ષણ સાર્થક બને છે
  • વિશ્વ વિદ્યાલયો ની ભુમિકા જ્ઞાનાર્જન છે
  • વિશ્વવિદ્યાલયનું કામ પરંપરા અને આધુનિકતાઓનું સમન્વય કરાવવાનું છે

રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી એ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ જ્ઞાન સર્જનનું પ્રયોજન કેવળ જ્ઞાન માટે નહી કરતાં સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે કરવું જોઇએ. શિક્ષાનો ઉપયોગ આપણા માટે નહી કરતાં સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે કરવો જોઇએ.

રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલય ખાતે સુવર્ણ ચંદ્રક સમારોહમાં  ૪૯ વિઘાર્થીઓને ૬૫ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા. યુવા છાત્રો- વિદ્યાર્થીઓને મેડલ્સ પ્રદાન કરતાં રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીએ યુવા વિદ્યાર્થીઓને જ્ઞાનની પદવી શિક્ષા સાથે સમાજદાયિત્વની દિક્ષાથી જ જીવન કારકીર્દી સાર્થક કરવાનું પ્રેરક આહવાન કર્યુ હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્યશ્રીનું વ્યાકરણ ક્ષેત્રે આપેલું યોગદાન મહત્વનું છે. કલા અને જ્ઞાનની નગરી પાટણે શિક્ષણ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરી છે. પાટણની પ્રભુતાનો સુવર્ણ યુગ ઇતિહાસ સાથે જોડાયેલો છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે વિશ્વ વિદ્યાલયોની ભુમિકા જ્ઞાનસર્જનની છે ત્યારે વિશ્વવિદ્યાલયો આપણી પરંપરાઓ અને આધુનિકતાઓનું સમન્વય કરી આજના શિક્ષણને સાર્થક બનાવે તે સમયની માંગ છે.

રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યું કે નાલંદા અને તક્ષશીલા વિદ્યાપીઠો આપણું ગૌરવ છે ત્યારે આ ગૌરવ જાળવી રાખવા વિશ્વવિદ્યાલયો  દુનિયામાં શ્રેષ્ઠત્તા પ્રાપ્ત કરે તે દિશામાં આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ.  તેમણે વિદ્યાર્થીઓને આગામી સમયમાં અનેક નવા પડકારોનો સામનો કરવાનો છે ત્યારે એકવીસમી સદીને અનુરૂપ સંશોધનોની હિમાયત પણ કરી હતી.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે આપણા દેશ પાસે સમૃધ્ધ જ્ઞાનની પરંપરા છે. ત્યારે હવે દેશ વિકાસશીલ નહીં પરંતુ વિકસીત બને તે દિશામાં આપણે સૌ જ્ઞાનનું યોગદાન આપીએ.

:: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ::

  • શિક્ષણ માત્ર પદવી-મેડલ પુરતું સિમિત ન બની જ્ઞાનનું પ્રયોજન બને
  • વિશ્વ વિદ્યાલયો વિદ્યાના ધામ બની રાષ્ટ્રના ભવ્ય વારસાને પ્રસ્થાપિત કરે
  • ગુજરાતે પાછલા બે દશકામાં ૧૦ માં થી ૬૦ યુનિવર્સિટીઓ દ્વારા યુવાનોને વિશ્વકક્ષાનું સમયાનુકુલ જ્ઞાન ઘર
  • આંગણે ઉપલબ્ધ બનાવ્યું છે
  • ‘નયા ભારતના નિર્માણ’ માં ગુજરાતની યુવાશક્તિ અગ્રેસર યોગદાન આપશે

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સુવર્ણ ચંદ્રક એ જ્ઞાનું સન્માન છે. ૨૧મી સદી જ્ઞાન વિજ્ઞાનની સદી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ‘‘નયા ભારતના નિર્માણ’’ માટેની પરિકલ્પના પૂર્ણ કરવા આપણે સૌ ભારતને જ્ઞાન વિજ્ઞાનની સદી બનાવવા સંકલ્પબદ્ધ બનીએ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષા અને વ્યાકરણ રચયિતા અને વિદ્વાન હતા અને તે સમયે આચાર્યશ્રીની જ્ઞાનની આ પરંપરાને સિધ્ધ હેમશબ્દાનુશાસન વ્યાકરણને હાથીની અંબાડી ઉપર સ્થાન આપી સન્માનીત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે આદિઅનાદિ કાળથી ગુજરાતે લક્ષ્મી કરતાં સરસ્વતીને વધારે મહત્વ આપ્યું છે તેથી જ તક્ષશીલા તથા વલભી વિદ્યાપીઠો ગુજરાતમાં હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરસ્વતીની સાધના એટલે શિક્ષણ અને જ્ઞાનનું સન્માન. તેમણે દેશમાં યુવાનોને તેમની સ્કીલ પ્રમાણે તકો ઉપલબ્ધ થાય તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પરિકલ્પના સેવી છે તે આજે ન્યુ ઇન્ડિયા થકી સાકાર થઇ રહી છે. તેની ભૂમિકા આપી હતી.

ગુજરાતના યુવાનને ડીજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા થકી નવીન તકો મળી રહી છે. આ માટે ગુજરાત સરકારે છેલ્લા બે દશકામાં એકવીસમી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ૬૦ જેટલી યુનિવર્સિટીઓનું નિર્માણ કરી યુવાશકિતને વ્યાપક તકો પૂરી પાડી છે.

ગુજરાતે પેટ્રોલિયમ, રક્ષા અને ફોરન્સીક જેવી વિશ્વ કક્ષાની યુનિવર્સીટીઓથી રાજ્યના યુવાનોને શિક્ષણ માટે રાજ્ય-દેશ બહાર જવાના બદલે ઘર આંગણે જ શ્રેષ્ઠ અને વિશ્વકક્ષાનું જ્ઞાન મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરી છે તેની વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ છાત્ર શક્તિને રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ વ્યક્તિગત જીવનમાં કેળવી દેશ માટે સમાજ માટે જીવી જાણવાનું પ્રેરક આહવાન કર્યુ હતું.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌઘરીએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષમાં અવિરત પ્રગતિ થઇ છે. સરકાર ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેડીકલ કોલેજનું શિક્ષણ પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયત્નશીલ રહી છે. ઉત્તર ગુજરાતની પવિત્ર ભુમિ દરેક ક્ષેત્રે અગ્રેસરતા પ્રાપ્ત કરી છે.પાટણની પ્રભુતા અવિતરણ પણે આગળ વધી રહી છે. શિક્ષણ માધ્યમથી ઉત્તર ગુજરાત યુનિ અગ્રતાપુર્ણ રીતે આગળ વધી રહી છે.

કુલપતિશ્રી અનિલ નાયકે વિશ્વ વિદ્યાલયની માહિતી આપતાં જણાવ્યુ હતું કે યુનિ પાંચ જિલ્લાની ૩૮૬ કોલેજો સાથે જોડાયેલી છે. યુનિમાં ૧૪૬૮૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૩૨૦ એકર જમીનની ફેલાવો ધરાવતી વિશ્વ વિદ્યાલય સાથે ૦૪ મેડીકલ કોલેજ, ૦૧ ડેન્ટલ કોલેજ જોડાયેલી છે. આજના સુવર્ણ ચંદ્રક સમારોહમાં ૩૬ વિદ્યાર્થીનીઓને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે તેમ જણાવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલયમાં વર્ષ ૨૦૧૮ના વિનયન કક્ષાના ૩૦, કોમર્સના ૦૪, વિજ્ઞાનના ૧૭, ઇજનેરીના ૦૧, મેડીસીનના ૦૧, મેનેજમેન્ટના ૦૪, શિક્ષણના ૦૨, કાયદાના ૦૩, કોમ્પ્યુટરના ૦૩ સહિત ૪૯ વિદ્યાર્થીઓને ૬૫ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ૦૮ વિદ્યાર્થીઓએ ૦૨ અને ૦૪ વિદ્યાર્થીઓએ ૦૪ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા.

કાર્યક્રમમાં ડો.બાબા સાહેબ આંબેડકરની સામાજિક વિચારધારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનિમાં વિદ્યાર્થીઓની સવલત માટે બે ઇ-રીક્ષાનું લોકાર્પણ કર્યુ હતું. કાર્યક્રમમાં બનાસ ડેરીની ચેરમેન શંકરભાઇ ચૌધરી, અગ્રણી કે.સી. પટેલ, રજિસ્ટ્રાર ધર્મેન્દ્ર પટેલ, પરીક્ષા નિયામક મિતુલ દેલીયા, જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત યુનિના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024